રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે મોનસૂને એન્ટ્રી કરી છે.
ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી
Gujarat monsoon: લાંબી પ્રતિક્ષા બાદ આખરે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરી છે.

Gujarat monsoon: ગુજરાતના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં ચોમાસાનું વિધિવત આગમન થઈ ગયું છે અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે મોનસૂને એન્ટ્રી કરી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સક્રિય હોવાથી વરસાદની ગતિવિધિઓમાં વધારો જોવા મળશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતાને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
સુરત, તાપી, વલસાડ, દમણ અને દાદરા-નગર હવેલી જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે. ઉપરાંત સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લામાં પણ આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદની ચેતવણી પણ આપી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
દરિયાઈ વિસ્તારોમાં હવામાન ખરાબ રહેવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. તંત્ર દ્વારા માછીમારોને આગામી સૂચના સુધી સાવચેત રહેવા અને દરિયામાં ન જવા અપીલ કરવામાં આવી છે. રાજ્યમાં ચોમાસાની સક્રિય શરૂઆત સાથે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદના આગમનથી ખેતીકામને વેગ મળશે અને પાણીની સમસ્યામાં પણ રાહત મળવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અંબાલાલ આગાહી
ગુજરાતમાં આગામી દિવસોમાં વરસાદનું જોર વધવાની શક્યતા વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મહત્વની આગાહી કરી છે. તેમના જણાવ્યા મુજબ 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 28 અને 29 જૂન દરમિયાન બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે. આ સિસ્ટમના પ્રભાવને કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. ઉપરાંત મહિસાગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. વડોદરા અને આસપાસના વિસ્તારોમાં પણ વરસાદનું જોર વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના મુખ્ય શહેરો અમદાવાદ અને ગાંધીનગરમાં આજે વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને સાબરકાંઠા અને પંચમહાલ જિલ્લામાં કેટલાક સ્થળોએ ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આજે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. હવામાનમાં થતા બદલાવને ધ્યાનમાં રાખીને ખેડૂતો અને નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવી છે.હવામાન નિષ્ણાતોના મત મુજબ આગામી દિવસોમાં રાજ્યમાં મોનસૂન વધુ સક્રિય બનશે અને અનેક જિલ્લાઓમાં વરસાદની માત્રામાં વધારો નોંધાઈ શકે છે.
Frequently Asked Questions
ગુજરાતમાં ચોમાસાનું ક્યારે આગમન થયું છે?
કયા વિસ્તારોમાં ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે?
દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, વલસાડ અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદ માટે યલો એલર્ટ છે.
માછીમારોને શું સલાહ આપવામાં આવી છે?
દરિયાકાંઠાના વિસ્તારોમાં હવામાન ખરાબ રહેવાની સંભાવનાને કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા વિશે શું આગાહી કરી છે?
તેમના મતે, 29 જૂનથી 7 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે. બંગાળના ઉપસાગરમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાવાની શક્યતા છે.






















