Gujarat Rain: આગામી બે દિવસ રાજ્યમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે
ગાંધીનગરઃ રાજ્યમાં હજુ પણ આગામી બે દિવસ ધોધમાર વરસાદ રહેશે. હવામાન વિભાગે આ અંગેની આગાહી કરી છે. પશ્ચિમ બંગાળમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશનથી રાજ્યમાં ચોમાસાના વધુ એક રાઉંડની શરુઆત થઈ છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે... આજે ડાંગ, નવસારી, વલસાડ, જુનાગઢ, અમરેલી અને ગીર સોમનાથમાં ભારે વરસાદ પડી શકે છે. તો આવતીકાલે ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં સિઝનમાં અત્યાર સુધી 35 ઈંચ સાથે 106 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે. ગત વર્ષે ૧૧ સપ્ટેમ્બર સુધીમાં 19.74 ઈંચ સાથે સીઝનનો માત્ર 60 ટકા વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં આ વખતે 72 તાલુકા એવા છે જ્યાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જ્યારે 10 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો હોય તેવો માત્ર એક તાલુકો છે. રીજિયન પ્રમાણે જોવામાં આવે તો કચ્છમાં 29 ઈંચ સાથે સીઝનનો 161 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. કચ્છમાં ગત વર્ષે 11 સપ્ટેમ્બર સુધીમાં ૧૦.૬૮ ઈંચ સાથે સીઝનનો માત્ર ૬૧ ટકા વરસાદ નોંધાયો હતો. કચ્છ ઉપરાંત દક્ષિણ, ઉત્તર ગુજરાત એવા રીજિયન છે જ્યાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૦૦ ટકાથી વધુ છે. દક્ષિણ ગુજરાતમાં ૬૭ ઈંચ સાથે ૧૧૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૩૨ ઈંચ સાથે ૧૧૩ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.
બીજી તરફ વરસાદનું પ્રમાણ પૂર્વ મધ્ય ગુજરાતમાં ૮૬ ટકા અને સૌરાષ્ટ્રમાં ૯૪ ટકા છે. જિલ્લા પ્રમાણે જોવામાં આવે તો વલસાડમાં સૌથી વધુ ૧૧૦ ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સિવાય ડાંગમાં ૫૭, નવસારીમાં ૮૫ ઈંચ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. કુલ પાંચ તાલુકામાં સીઝનનો ૧૦૦ ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં વલસાડના કપરાડામાં ૧૫૨ ઈંચ, ધરમપુરમાં ૧૨૧ ઈંચ, વાપીમાં ૧૦૮ ઈંચ વરસાદનો સમાવેશ થાય છે.
જોકે, રાજ્યમાં હજુ કેટલાક જિલ્લા એવા પણ છે જ્યાં હજુ વરસાદ ૧૦૦ ટકાથી વધ્યો નથી. જેમાં સુરેન્દ્રનગરમાં ૧૬ ઈંચ સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. સૌથી ઓછો વરસાદ પડયો હોય તેવા જિલ્લામાં ૧૯ ઈંચ સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. અમદાવાદ જિલ્લામાંથી માત્ર અમદાવાદ શહેરમાં ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે જ્યારે સાણંદમાં માત્ર ૧૨ ઈંચ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો છે. તાલુકા પ્રમાણે જોવામાં આવે તો ૫૦ તાલુકામાં ૧૦થી ૨૦ ઈંચ જ્યારે ૧૨૮ તાલુકામાં ૨૦થી ૪૦ ઈંચ વરસાદ નોંધાયો છે. રાજકોટના વિંછીયામાં ૯.૨૧ સાથે સૌથી ઓછો વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે.