Heart Attack: ગોધરાના 26 વર્ષના યુવકનું હાર્ટ અટેકથી મોત, એકના એક પુત્રના નિધનથી પરિવારમાં શોકનો માહોલ
Panchmahal News: ગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યાં છે.
Panchmahal News: રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી યુવાનોમાં હાર્ટએટેકથી મોતના કિસ્સા વધી રહ્યા છે. પંચમહાલના ગોધરાના 26 વર્ષીય યુવકનું હાર્ટએટેકથી મોત થયું છે. તોફિક સાદિક મિયા મલેક તિજોરીવાલા નામના યુવકને છાતીમાં દુખાવો ઉપડતાં ખાનગી હોસ્પિટલ સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો, જ્યા તબીબે મૃત જાહેર કર્યો હતો. ગોધરાના કુબા મસ્જિદ રહિશ તિજોરી વાલા પરિવારના એકનાં એક પુત્રના મોતને પગલે પરિવારમા શોકનો માહોલ છવાઈ ગયો હતો.
ગુજરાત સહિત દેશભરમાં હાર્ટએટેકના કેસ સતત વધતાં જઈ રહ્યાં છે. દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે જે લોકો ગંભીર રીતે કોરોનાથી પીડિત થયા હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કે કપરી કસરતો કરવાનું બંધ કરી દેવું જોઈએ. કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ ICMRની એક રિસર્ચનો હવાલો આપ્યો હતો. તેમણે કહ્યું કે ICMRએ રિસર્ચમાં નોંધ્યું છે કે જે લોકો કોરોનાથી ગંભીર રીતે પીડિત હતા તેઓએ થોડાક સમય માટે આકરી મહેનત કરવાનું પડતું મૂકવું જોઈએ. તેમણે એક કે બે વર્ષ માટે કસરત કે જિમથી બ્રેક લેવો જોઈએ.
હૃદયના રોગો કેમ વધી રહ્યા છે?
સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, આજકાલ આપણે બધા જે પ્રકારની જીવનશૈલી જીવીએ છીએ તેનાથી હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે. મોટાભાગના લોકો બેઠાડુ જીવનશૈલી જીવે છે. ઘણા લોકો લાંબા સમય સુધી બેસી રહે છે. તેમના આહારમાં જંક અને પ્રોસેસ્ડ ફૂડનો સમાવેશ કરવાને કારણે કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરની સમસ્યા વધી રહી છે. હૃદયના સ્વાસ્થ્ય પર પણ તેની ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં નાની ઉંમરથી જ ખાસ કાળજી લેવી પડે છે, નહીં તો તેની ગંભીર આડઅસર થઈ શકે છે. તેથી, પરીક્ષણો દ્વારા હૃદય રોગનું જોખમ શોધી શકાય છે.
કોલેસ્ટ્રોલ તપાસો
કોલેસ્ટ્રોલ એ આપણા લોહીમાં જોવા મળતું મીણ જેવું પદાર્થ છે. તંદુરસ્ત કોષોના નિર્માણમાં તેની જરૂર પડે છે. જો કે, તેની વધુ માત્રા હૃદય રોગનું જોખમ વધારે છે. લોહીના નમૂનાઓ દ્વારા શરીરમાં કોલેસ્ટ્રોલનું પરીક્ષણ કરવામાં આવે છે. તેના દ્વારા કોલેસ્ટ્રોલ અને ફેટની માત્રા જાણવા મળે છે. લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ 200 mg/dl કરતાં ઓછું હોય તે સામાન્ય માનવામાં આવે છે, જ્યારે 240 mg/dl કે તેથી વધુ નુકસાનકારક હોઈ શકે છે.
ECG ટેસ્ટ
ઇલેક્ટ્રોકાર્ડિયોગ્રામ ટેસ્ટ હૃદયમાં વિદ્યુત સંકેતો રેકોર્ડ કરે છે. આ ટેસ્ટની મદદથી હૃદયના ધબકારાની ઝડપ જાણી શકાય છે. ECG માં ફેરફાર એ હૃદય સંબંધિત ઘણી સ્થિતિઓનો સંકેત હોઈ શકે છે. હાર્ટ એટેક જેવી સ્થિતિ માટે આ ટેસ્ટની મદદ લેવામાં આવે છે.
CRP ટેસ્ટ
શરીરમાં બળતરાની સમસ્યા શોધવા માટે સી-રિએક્ટિવ પ્રોટીન ટેસ્ટની ભલામણ કરવામાં આવે છે. CRP સ્તરમાં વધારો ગંભીર આરોગ્ય સ્થિતિ સૂચવી શકે છે, જે બળતરા પેદા કરી શકે છે. HS-CRP ટેસ્ટ કોરોનરી ધમની બિમારીના જોખમો જાણવામાં મદદ કરે છે. કોરોનરી આર્ટરી ડિસીઝમાં, હૃદયની ધમનીઓ સંકોચાઈ જાય છે, જેનાથી હાર્ટ એટેકનું જોખમ રહે છે.