Weather: રાજયમાં ભીષણ ગરમી,રાજકોટ શેકાયું, 46 ડિગ્રી પહોંચ્યુ તાપમાન, હવામાન વિભાગનું એલર્ટ
Weather: રાજ્યમાં ભીષણ ગરમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 4 મે સુધી કાળઝાળ ગરમીના સંકેત આપ્યા છે. રાજકોટનું તાપમાન 46 ડિગ્રી પહોંચ્યું છે. જેના કારણે તે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું

Weather: હવામાન વિભાગે 3 મે સુધી આકરી ગરમીની ચેતવણી આપી છે. પશ્ચિમ દિશાથી ફૂંકાતા ગરમ પવનના કારણે સતત લૂનો અનુભવ થઇ રહ્યો છે. લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે. રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાનનો પારો 42ને પાર જતાં અગન વર્ષાની સ્થિતિ અનુભવાય રહી છે. રાજ્યના 6 શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે. 46.2 ડિગ્રી સાથે રાજકોટ રાજ્યનું સૌથી ગરમ શહેર રહ્યું. ઉલ્લેખનિય છે કે, આ અગાઉ 13 મે, 1977 ના રોજ 47.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
હવામાન વિભાગની આગાહી મુજબ 3 મે સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની સ્થિતિ સર્જાઇ શકે છે. ખાસ કરીને સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, મોરબીમાં હીટવેવનનું અનુમાન છે. આગામી તારીખ 4 મે સુધી રાજ્યમાં ગરમીથી રાહત મળે તેવી કોઇ શક્યતા નથી. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં 5 મે બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. આ બાદ તાપમાનમાં 2થી3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. 5 થી 8 મે સુધી રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. પ્રિમોનસૂન એક્ટિવિટિના ભાગરૂપે રાજ્યના છુટછવાયા વિસ્તારમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું અનુમાન છે.
રાજ્યના 10 ગરમ શહેરો
રાજકોટ -46.2
કંડલા - 45.1
સુરેન્દ્રનગર -44.8
અમરેલી -44.1
અમદાવાદ -44.0
ગાંધીનગર- 43.2
ભુજ- 42.2
ભાવનગર-42.2
જૂનાગઢ -42.0
ડીસા-41.6
30મી એપ્રિલથી હવામાનમાં મોટો ફેરફાર જોવા મળશે
2 મેના રોજ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે, જેના કારણે ઉત્તર ભારતના તાપમાનમાં એક સપ્તાહથી વધુ સમય સુધી વધારો નહીં થાય. દિલ્હી, પંજાબ અને હરિયાણાના મોટા ભાગોને આજ સુધી કોઈ રાહત મળવાની નથી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 30 એપ્રિલથી મોટા ફેરફારો જોવા મળશે.ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દક્ષિણ રાજસ્થાન, ગુજરાત, દક્ષિણ-પશ્ચિમ મધ્યપ્રદેશ અને ઉત્તર મહારાષ્ટ્રને છોડીને સમગ્ર દેશમાં હવામાન બદલાશે. બુધવારે 30 એપ્રિલ પણ વરસાદ અને વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ રહેશે. રાજસ્થાનમાં પણ ભેજવાળા પવનો ફૂંકાશે.
હવામાનશાસ્ત્રીઓનું માનવું છે કે, પશ્ચિમ તરફથી ફૂંકાતા ગરમ પવનો અને પૂર્વમાં બંગાળની ખાડીમાંથી ફૂંકાતા ભેજવાળા પવનોને કારણે બિહાર, ઝારખંડ અને બંગાળમાં વરસાદની સ્થિતિ છે. IMD એ આ વિસ્તારોમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના આગમન સાથે પર્વતોમાં પણ હળવા વરસાદની શરૂઆત થવા જઈ રહી છે. 2 મેની આસપાસ દિલ્હી, પંજાબ અને હરિયાણામાં ધૂળની ડમરીઓ સાથે વરસાદની સંભાવના છે.





















