રાજ્યમાં આજથી હીટવેવની આગાહી, અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીને પાર
આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેંદ્રનગરમાં, જ્યારે બુધવારે બનાસકાંઠામાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યમાં દિવસેને દિવસે ગરમીનો પારો ઉંચકાવા લાગ્યો છે અને સતત બીજા દિવસે સાત શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધારે નોંધાયો છે. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સિઝનમાં પ્રથમવાર ગરમીનો પારો 42 ડિગ્રીને પાર થયો હતો. અમદાવાદમાં 42.3 ડિગ્રી સાથે સરેરાશ મહત્તમ તાપમાન સામાન્ય કરતા ચાર ડિગ્રી વધારે નોંધાયો હતો.
અમદાવાદમાં આગમી ત્રણ દિવસ મહત્તમ તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. તો આજે અને આવતીકાલે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, કચ્છ, ગીર સોમનાથ, પોરબંદર, સુરેંદ્રનગરમાં, જ્યારે બુધવારે બનાસકાંઠામાં કાળઝાળ ગરમીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
રાજ્યના અલગ અલગ શહેરોમાં ગરમીના આંકડાની વાત કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન નોંધાયુ હતુ. જ્યારે સુરેંદ્રનગરમાં ગરમીનો પારો 42 ડિગ્રી પર પહોંચી ગયો હતો. ડીસામાં ગરમીનો પારો 41. 6 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે રાજકોટમાં ગરમીનો પારો 41.3 ડિગ્રી પર પહોંચ્યો હતો.
ભૂજ અને કંડલા એયરપોર્ટ પર ગરમીનો પારો 41.2 ડિગ્રી પર પહોંચ્યો હતો. જ્યારે કેશોદમાં ગરમીનો પારો 40.5 ડિગ્રી, વડોદરામાં 40.4 ડિગ્રી અને વલ્લભવિદ્યાનગરમાં ગરમીનો પારો 39.2 ડિગ્રી પર પહોંચ્યો
ઉનાળાની શરૂઆતમાં જ જળ સંગ્રહ ઘટ્યો
એક તરફ ઉનાળાની શરૂઆત થઈ જ છે તેવામાં બીજી બાજૂ રાજ્યના વિવિધ વિસ્તારોમાં જળસંગ્રહ ઘટી રહ્યો છે. ત્તર ગુજરાતમાં 16.48 ટકા પાણીનો સંગ્રહ છે. જ્યારે મધ્ય ગુજરાતમાં 50.69 ટકા અને સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 69.89 ટકા જળ સંગ્રહ છે. જ્યારે સૌરાષ્ટ્રમાં 47.79 ટકા અને કચ્છમાં 23.65 ટકા જળ સંગ્રહ છે.
જો કે આ બધા વચ્ચે એક સારી બાબત એ છે કે, ઈતિહાસમાં પ્રથમ વખત એપ્રિલમાં સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી સૌથી વધુ એટલે 118.15 મીટર છે અને જળ સંગ્રહ 953.76 મિલિયન ક્યુબિક મીટર છે. એટલે કે, જો આગામી દિવસોમાં ચોમાસુ લંબાય તો પણ નર્મદા ડેમ સમગ્ર ગુજરાત માટે પીવા અને વાપરવાના પાણી માટે સક્ષમ છે. ઉપરવાસમાં આવેલા ઈંદિરાસાગર અને ઓમકારેશ્વર ડેમના પાવર હાઉસ ચાલુ હોવાને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક સતત થઈ રહી છે.