Gujarat Rain: કચ્છમાં આજે પણ ધોધમાર વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ
હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

Rain Alert : હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 15 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવાની આગાહી આપવામાં આવી છે. ગુજરાત ઉપર સિસ્ટમ સક્રિય છે. આ કારણે હજુ 5 દિવસની વરસાદની આગાહી છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં હવામાન વિભાગે મધ્યમ વરસાદની આગાહી કરી છે. કચ્છમાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય રાજ્યના અન્ય કેટલાક જિલ્લાઓમાં હળવાથી લઈને મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યમાં સરેરાશ વરસાદ 102.89 ટકા
રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.
બનાસકાંઠા જિલ્લામાં 16 ઈંચ વરસાદથી બોર્ડર વિસ્તારમાં તારાજી
બનાસકાંઠા જિલ્લામાં વરસેલા 16 ઈંચથી વધુ વરસાદથી બોર્ડર વિસ્તારમાં તારાજી સર્જાઈ છે. સુઈગામ સહિત આસપાસના ગામોમાં જળબંબાકારથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ગામની બજારોમાં કમરસુધીના પાણી ફરી વળ્યા છે. સુઈગામથી નડાબેટ જવાનો આખેઆખો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખેતરો પણ બેટમાં ફેરવાતા ખેડૂતોના હાલ બેહાલ થયા છે. અનેક ગામડાઓ જળમગ્ન બનતા SDRF અને NDRFની ટીમો પણ જેસીબીમાં સવાર થઈને રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે.
વરસાદ રોકાયા બાદ પણ વરસાદી પાણીએ સુઈગામને બાનમાં લીધુ છે. ન્યાય સંકુલ, મામલતદાર ઓફિસ સહિતના મોટાભાગના વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયેલા જોવા મળ્યા હતા. સુઈગામના પ્રવેશદ્વાર પાસે જ જબરદસ્ત પાણીનો ભરાવો છે. પાણીની આવકથી પ્રવેશદ્વાર પાસેનો રસ્તો પણ ધોવાય ગયો. ગામની આસપાસ આવેલા નાના મકાનો અને દુકાનો પણ પાણીમાં ડુબી ગઈ છે. સુઈગામ જવાના 15 કિલોમીટર પહેલાથી જ રસ્તા પર જાણે દરિયો વહેતો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. ન માત્ર સુઈગામ પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી પાણીથી સંપર્ક વિહોણા બન્યા છે.
ભરાડવા ગામ છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણું
ભરાડવા ગામ ભારે વરસાદથી છેલ્લા ત્રણ દિવસથી સંપર્ક વિહોણું બન્યું છે. ભરાડવા ગામ જવાના રસ્તે કમરસુધીના પાણી ભરાયા છે. સુઈગામ ટાઉન પોલીસ પણ ટ્રેક્ટરમાં સવાર થઈને ગામમાં ફસાયેલા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવાના પ્રયાસો કરી રહી છે. જો કે પાણીના તેજ પ્રવાહને લીધે પોલીસકર્મીઓ પણ ભરાવડા પહોંચવામાં મુશ્કેલી વેઠવી પડી રહી છે.





















