Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘમહેર, બાબરાની કાળુભાર નદીનું રૌદ્ર સ્વરૂપ
અમરેલી જિલ્લામાં વરસાદે ધમાકેદાર બેટીંગ કરી હતી. અમરેલી શહેર સહિત મોટા ભાગના તાલુકામાં આજે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ બાબરામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો.
અમરેલી: અમરેલી જિલ્લામાં વરસાદે ધમાકેદાર બેટીંગ કરી હતી. અમરેલી શહેર સહિત મોટા ભાગના તાલુકામાં આજે પણ અનરાધાર વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ બાબરામાં સવા ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો. સવારે આઠથી બપોરે 12 વાગ્યા સુધીના ચાર કલાકમાં જ અઢી ઈંચ વરસાદ વરસી જતા માર્ગો તળાવ બની ગયા હતા.
બાબરાના તાલુકાના શેખ પીપરીયા ગામના શિવાજી ચોકમાં નદીની જેમ પાણી વહેતા થયા હતા. સતત વરસાદના કારણે બાબરાની કાળુભાર નદી બે કાંઠે વહી રહી છે. પાનસડા ગામમાંથી નદીનો ધસમસતો પ્રવાહ વહેતો થયો. લાઠી શહેર અને તાલુકામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો. શેરીઓથી લઈને ગામની બજારોમાં પાણી ભરાયા હતા. સતત પડી રહેલા વરસાદના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
મુશળધાર વરસાદના કારણે બાબરાની કાળુભાર નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. શિવાજી ચોક અને ખખ્ખર કોલોનીમાં પાંચ-પાંચ ફૂટ સુધી પાણી ભરાયા હતા. ગામની શાળાથી લઈને ઘરોમાં કમર સુધી પાણી ભરાયા હતા.
બાબરાના ફૂલઝર ગામમાં કાળુભાર નદીના પાણી ઘૂસ્યા હતા. ત્રંબોડા અને દેવળીયા ગામને જોડતો રસ્તો બંધ કરવો પડ્યો હતો. સ્થિતિનું નિરીક્ષણ કરવા મામલતદારની ટીમ સ્થળ પર પહોંચી હતી. બાબરાના ચમારડી ગામે સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.
ગુજરાતમાં આફત બન્યો વરસાદ! અત્યાર સુધીમાં 102 લોકોના મોત
રાજ્યમાં વરસાદી માહોલ યથાવત છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પડેલા ભારે વરસાદને જાન માલને ભારે નુકશાન થયું છે. વરસાદની સિઝનમાં અત્યાર સુધીમાં રાજ્યાં 102 લોકોના મોત થયા છે. જ્યારે અત્યાર સુધીમાં 4 હજાર 119 પશુઓના પણ મોત થયા છે. 1 જૂનથી અત્યાર સુધી સરકારી ચોપડે 102 માનવ મૃત્યુ થયાના અહેવાલ છે.
ભારે વરસાદના કારણે રાજ્યના આ 302 રોડ બંધ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ અને નવસારીમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. હવામાન વિભાગે આજે પણ ભારે વરસાદની આગાહી કરી છે. આજે પોરબંદર અને દ્વારકામા અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ છે. ભારે વરસાદના કારણે જૂનાગઢમાં અનેક લોકો પૂરના પાણી વચ્ચે ફસાયા હતા. અત્યાર સુધીમાં કુલ 736 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને લગભગ 358 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. રાજ્યમાં વધુ પડતા વરસાદને કારણે 271 પંચાયતના રસ્તાઓ સહિત કુલ 302 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. વરસાદના કારણે 10 સ્ટેટ હાઈવે બંધ છે. વરસાદના કારણે એક નેશનલ હાઈવે પર વાહન વ્યવહાર બંધ કરવામાં આવ્યો છે. સૌથી વધુ વલસાડમાં 66 રસ્તાઓ બંધ છે. ભાવનગર જિલ્લામાં 57, પોરબંદર જિલ્લામાં 47 રસ્તાઓ બંધ છે.