Rain Forecast: રાજ્યના આ જિલ્લામાં આગામી ત્રણ કલાકમાં વરસશે ગાજવીજ સાથે ભારે વરસાદ
Weather Update: ગુજરાતના દક્ષિણ વિસ્તાર અને સૌરાષ્ટ્રમાં આગામી દિવસોમાં વરસાદનું અનુમાન છે. આજે પણ આ વિસ્તારમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે

Rain Forecast: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક જિલ્લામાં આજે વરસાદનું અનુમાન છે. રાજ્યના કેટલાક વિસ્તારોમાં આગામી 3 કલાકમાં વરસાદની આગાહી છે. આગામી 3 કલાકમાં દાદરા અને નગરહવેલીમાં સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. સુરત, તાપીમાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. ડાંગ, નર્મદામાં પણ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ વરસી શકે છે. 3 કલાકમાં વડોદરા, છોટાઉદેપુરમાં હળવા વરસાદનું અનુમાન છે. સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી છે. 3 કલાકમાં ભરૂચ, અમરેલી,ભાવનગર, ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન છે.
રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી માવઠાના કારણે ખેડૂતો ચિંતત છે. ગઇ કાલે પણ સૌરાષ્ટ્ સહિત અનેક વિસ્તારમાં વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં અણધાર્યા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે. સૌથી વધુ પ્રભાવિત અમરેલી શહેર રહ્યું છે, જ્યાં માત્ર ગણતરીના કલાકોમાં સવા ત્રણ ઇંચ (૩.૨૫ ઇંચ) વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મેંદરડા તાલુકામાં પોણા બે ઇંચ (1.73૩ ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે માંગરોળમાં સવા ઇંચ (1.26 ઇંચ) અને માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત વંથલી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે, અને તાલાલા ગીરમાં પણ વરસાદના વાવડ છે.
આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. લીમખેડા, ગઢડા, આહવા અને દેવગઢ બારીયા તાલુકાઓમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.
એકસાથે આટલા બધા તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ખેતીવાડીને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આગામી ૪ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, 9જિલ્લામાં યલો એલર્ટ
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે (23 મે 2025 ) અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો, ડાંગ, ભરૂચ અને સુરત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ હવામાન વિભાગે આગામી 27 મે સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 9 જેટલા જિલ્લાઓમાં ગાજવીજ અને 40 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આગાહી કરી યલો એલર્ટ જાહેર કર્યું છે.





















