Rain in Gujarat: ગુજરાતમાં મેઘતાંડવ; આજે રાજ્યના ૧૪ તાલુકા જળબંબાકાર, અમરેલીમાં સવા ત્રણ ઇંચ વરસાદે સર્જી તારાજી
Gujarat Rain: અમરેલી, જૂનાગઢ, અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત; અનેક વિસ્તારોમાં પાણી ભરાયા.

Rain News: રાજ્યમાં ચોમાસાની અણધારી અને રૌદ્ર શરૂઆત થતાં ૧૪ જેટલા તાલુકાઓમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અનેક વિસ્તારોમાં અણધાર્યા વરસાદે જનજીવન પર માઠી અસર પહોંચાડી છે. સૌથી વધુ પ્રભાવિત અમરેલી શહેર રહ્યું છે, જ્યાં માત્ર ગણતરીના કલાકોમાં સવા ત્રણ ઇંચ (૩.૨૫ ઇંચ) વરસાદ ખાબકતાં શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. રસ્તાઓ નદીઓમાં ફેરવાયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી જતાં ભારે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે.
જૂનાગઢ જિલ્લામાં પણ મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. મેંદરડા તાલુકામાં પોણા બે ઇંચ (૧.૭૩ ઇંચ) વરસાદ નોંધાયો છે, જ્યારે માંગરોળમાં સવા ઇંચ (૧.૨૬ ઇંચ) અને માળીયા હાટીનામાં અડધો ઇંચ વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે. આ ઉપરાંત વંથલી તાલુકામાં પણ વરસાદી માહોલ જામ્યો હતો.
અમરેલી જિલ્લાના અન્ય તાલુકાઓ પણ વરસાદથી અછૂતા રહ્યા નથી. લાઠી તાલુકામાં દોઢ ઇંચ (૧.૩૦ ઇંચ) જેટલો વરસાદ ખાબક્યો હતો, જ્યારે બગસરા અને ગારિયાધાર તાલુકાઓમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં પોણો ઇંચ વરસાદ નોંધાયો છે, અને તાલાલા ગીરમાં પણ વરસાદના વાવડ છે.
આ સિવાય રાજ્યના અન્ય ભાગોમાં પણ છૂટોછવાયો વરસાદ નોંધાયો છે. લીમખેડા, ગઢડા, આહવા અને દેવગઢ બારીયા તાલુકાઓમાં પણ વરસાદે હાજરી પુરાવી હતી.
એકસાથે આટલા બધા તાલુકાઓમાં ભારે વરસાદને કારણે ખેતીવાડીને પણ નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. અનેક ઠેકાણે પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર પણ ખોરવાયો હતો. તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે અને અસરગ્રસ્ત વિસ્તારોમાં પરિસ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
આગામી ૪ દિવસ સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ૯ જિલ્લામાં યલો એલર્ટ
રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. શુક્રવારે (૨૩ મે, ૨૦૨૫) અમરેલી જિલ્લાના વિવિધ વિસ્તારો, ડાંગ, ભરૂચ અને સુરત સહિત રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ નોંધાયો હતો. આ સાથે જ હવામાન વિભાગે આગામી ૨૭ મે સુધી રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૯ જેટલા જિલ્લાઓમાં ગાજવીજ અને ૪૦-૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવા સાથે ભારે વરસાદની આગાહી કરી યલો એલર્ટ જાહેર કર્યું છે.
શુક્રવારે અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ: શુક્રવારના રોજ સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના લાઠી, કુંકાવાવ, બગસરા અને વડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ત્રાટક્યો હતો. આ વરસાદને પગલે કેટલાક સ્થળોએ વૃક્ષો ધરાશાયી થયા હતા અને ખેતરોમાં પાણી ભરાયાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. દક્ષિણ ગુજરાતમાં પણ ડાંગ જિલ્લાના આહવા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. આ ઉપરાંત સુરત અને ભરૂચ જિલ્લામાં પણ ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદ પડ્યો હોવાના અહેવાલ છે, જેના કારણે કેટલાક વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી. વરસાદી માહોલને પગલે સંબંધિત જિલ્લાના તંત્રને સાબદું કરી દેવામાં આવ્યું છે.
આગામી દિવસો માટે હવામાન વિભાગનું યલો એલર્ટ: હવામાન વિભાગ દ્વારા જારી કરાયેલ આગાહી મુજબ:
- ૨૪-૨૫ મે: રાજ્યના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, જેને પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.
- ૨૬ મે: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ૧૦ જિલ્લાઓ જેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે, ત્યાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે.
- ૨૭ મે: તાપી, ડાંગ, નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ યથાવત રાખવામાં આવ્યું છે.





















