(Source: ECI/ABP News/ABP Majha)
બનાસકાંઠા: ડીસામાં બે કલાકમાં ચાર ઈંચ વરસાદ પડતા રસ્તાઓ પાણીમાં ગરકાવ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
બનાસકાંઠા: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠાનાં દાંતીવાડા, ડીસા, ધાનેરા અને કાકરેજ તાલુકામાં મુશળધાર વરસાદનાં પગલે ઠેર-ઠેર પાણી ભરાયા છે. ડીસાનાં ગ્રામ્ય વિસ્તારમાં 2 કલાકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. ડીસા શહેરની અનેક સોસાયટીઓમાં જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા છે. ડીસા તાલુકાનાં કંસારી, બાઇવાડા,જાવલ,જેરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ ખાબકતા ખેતરો બેટમાં ફેરવાયા છે. ધાનેરા-ડીસા હાઈવે પણ પાણીમાં ગરકાવ થતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ડીસાનાં કંસારીમાં સતત 4 કલાક વરસાદ થતા લોકોની હાલત કફોડી થઇ છે. ઘરમાં પાણી ઘુસી જતા ઘર વખરીને પણ નુકસાન થયું છે. ખેતરો જળબંબાકાર થતા બાજરી, જુવાર, મગફળી, સહિતના પાકો પણ પાણીમાં ગરકાવ થયા છે.
બનાસકાંઠામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ડીસામાં સવારથી અત્યાર સુધી પાંચ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક રસ્તાઓ પાણી ભરાયા છે તો બજારમાં દુકાનોમાં પણ ઘુંટણસમા પાણી ભરાયા છે. બજારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. અંદાજીત 100થી વધુ દુકાનોમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે. જેના કારણે દુકાનકારો મુશ્કેલીમાં મુકાયા છે અને તેમના સામાનને પણ નુક્સાન થયું છે. કેટલાક વેપારીઓ પોતાની દુકાનમાં રહેલો સમાન બચાવાનો પ્રયાસ કરી રહ્યા છે.
ઉત્તર ગુજરાતની સાથે મધ્યગુજરાતના પણ વરસાદી માહોલ જામ્યો છે. છોટા ઉદેપુર જિલ્લામાં ભારે વરસાદ પડી રહ્યો છે. ક્વાંટમાં સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નસવાડી રોડ વિસ્તારમાં ઘરોમાં પાણી ભરાયા છે. જેના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
અરવલ્લી જિલ્લાનાં ભિલોડા, શામળાજી, મોડાસા પંથકમાં મુશળધાર વરસાદ થતા સર્વત્ર જળબંબાકારનાં દ્રશ્યો સર્જાયા છે. આજે વહેલી સવારથી અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં એકથી ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. સરડોઇમાં એક કલાકમાં દોઢ ઇંચ વરસાદ ખાબકતા ગામમાં પૂરની સ્થિતિ ઉભી થઈ છે.