યાત્રાધામ અંબાજીમાં પડ્યો એવો વરસાદ કે રસ્તા પર ઉભેલાં વાહનો તણાવા લાગ્યાં ને.......
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળતાં ખેડૂતોને રાહત થઈ છે.
અંબાજીઃ ગુજરાતમાં લાંબા સમયના વિરામ પછી ફરી વરસાદે તોફાની બેટિંગ શરૂ કરી છે ત્યારે યાત્રાધામા અંબાજીમાં પણ જોરદાર વરસાદ પડી ગયો હતો. મંગળવારે યાત્રાધામ અંબાજીમાં એટલો જોરદાર વરસાદ પડ્યો હતો કે, રસ્તા પર મૂકેલાં વાહનો પણ તણાઈ ગયાં હતાં. લોકોએ ભારે દોડાદોડી કરીન પોતાનાં વાહનોને બચાવવા પડ્યાં હતાં.
બનાસકાંઠા જિલ્લામાં મંગળવારે દિવસ ભરના ભારે ઉકળાટ બાદ સાંજે તોફાની વરસાદ શરૂ થયો હતો. સમગ્ર જિલ્લામાં વરસાદ પડ્યો હતો પણ યાત્રાધામ અંબાજીમાં ભારે વરસાદ પડ્યો હતો. રસ્તા જળબંબાકાર થઈ ગયા હતા ને રસ્તા પર ઉભા વાહનો તણાવા લાગ્યાં હતાં. જેમનાં વાહનો તણાતાં હતાં એ લોકો વરસાદી પાણીમાં પોતાના તણાતાં વાહનોને પાણીના પ્રવાહથી બચાવવા દોડાદોડી કરી મૂકી હતી. આ અંગેના વીડિયો વાયરલ થયા છે ને લોકો પોતાનાં વાહનોને બચાવવા મથતા વિડિયોમાં જોવા મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળતાં ખેડૂતોને રાહત થઈ છે. છેલ્લા બે માસથી બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો. વચ્ચે વરસાદ પડ્યો હતો પણ તેના કારણે રાહત નહોતી થઈ. હવે 28 દિવસ બાદ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાતા પાકને નવજીવન મળ્યું છે. છેલ્લાં
ત્રણ દિવસથી બનાસકાંઠા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે અને ઠેર ઠેર વરસાદ પડતાં લોકોને રાહત થઈ છે. અંબાજીની જેમ બીજાં ઘણાં સ્થળે પણ જોરદાર વરસાદન કારણે પામી ભરાયાં છે અને તેના વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે.
બનાસકાંઠા જિલ્લામાં 24 કલાકના વરસાદી તાલુકાના આંકડા જોઇએ તો અમીરગઢમાં 01 મિમી, કાંકરેજમાં 18 મિમી, ડીસામાં 44 મિમી, થરાદમાં 07 મિમી, દાંતામાં 21 મિમી, દાંતીવાડામાં 17 મિમી, દિયોદરમાં 03 મિમી, ધાનેરામાં 15 મિમી, પાલનપુરમાં 19 મિમી, ભાભરમાં 33 મિમી, લાખણીમાં 31 મિમી, વડગામમાં 76 મિમી, વાવમાં 02 મિમી, સુઇગામમાં 21 મિમી પડ્યો છે. જિલ્લામાં આ વર્ષનો 31.62 ટકા જેટલો એવરેજ વરસાદ નોંધાયો છે.