Gujarat Rain: આગામી 2 કલાક રાજ્ય માટે ભારે, આ 4 જિલ્લાઓમાં રેડ એલર્ટ
ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આફતનો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે.

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી આફતનો વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આજે પણ અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2 કલાક રાજ્ય માટે ભારે છે. આ સમય દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છ. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે મધ્યમ અને હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગીર સોમનાથ, દીવ, જુનાગઢ, અમરેલી, પોરબંદર અને ભાવનગરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજ્યના આ જિલ્લાઓમાં ખાબકશે વરસાદ
આ સિવાય દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી, સુરત અને ભરૂચમાં મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, આ સમય દરમિયાન પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.
સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, અરબસાગરમાં બનેલા ડિપ્રેશનના કારણે વરસાદ યથાવત રહેશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર કચ્છમાં પડ્યો છે. આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં બે દિવસ યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી રહ્યો છે. માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા હવામાન વિભાગ દ્વારા સૂચના આપવામાં આવી છે.
દરિયાકાંઠે સિગ્નલ ઉપર LC3 સિગ્નલ જાહેર કરવામાં આવ્યો છે. દરિયામાં આજથી ચાર દિવસ બાદ વધુ પવનનો જોર વધશે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ વરસાદ વરસ્યો હતો. ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ વરસાદ, સૂત્રાપાડામાં 6.85 ઈંચ વરસાદ,ઉનામાં 5.55 ઈંચ વરસાદ, ગળતેશ્વરમાં 5.55 ઈંચ વરસાદ, લીલીયામાં 5.39 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં 5.16 ઈંચ વરસાદ,વેરાવળ 4.92 ઈંચ વરસાદ,સાવરકુંડલામાં 4.88 ઈંચ વરસાદ, કોડીનારમાં 4.84 ઈંચ વરસાદ, ખાંભા અને વડોદરામાં 4.80 ઈંચ વરસાદ, બારડોલી, વલ્લભીપુરમાં 4.17 ઈંચ વરસાદ, મેઘરજ, ઉમરપાડા, વાગરામાં 3.74 ઈંચ વરસાદ, બાલાસિનોરમાં 3.54 ઈંચ વરસાદ, નડિયાદમાં 3.46 ઈંચ વરસાદ, જેસરમાં 3.19 ઈંચ વરસાદ, કડાણા અને ખાનપુરમાં 2.99 ઈંચ વરસાદ, તાલાલા, નાંદોદ, મહિસાગરના વીરપુરમાં 2.95 ઈંચ વરસાદ વરસ્યો હતો.





















