Rain Forecast: આસોમાં અષાઢ જેવો માહોલ, રાજ્યમાં સાર્વત્રિક ધોધમાર વરસાદ, ગરબાના પંડાલ પાણી પાણી
Rain Forecast: ગુજરાતમાં વરસાદની આગાહી વચ્ચે આજે 110 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારને મેઘરાજા ઘમરોળી રહ્યાં છે.

Rain Forecast: ગુજરાતમાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. એક બાજુ ગુજરાતમાં પુરજોશ નવરાત્રિની ઉજવણી થઇ રહી છે. સાતમા નોરતે વરસાદની એન્ટ્રીએ ખેલૈયાને નિરાશ કર્યાં છે. આજે બપોર બાદ ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ નોંધાયો છે. આજે 110 તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે ગરબાના રંગમાં ભંગ પડ્યો છે. ગરબાના પંડાલમાં પાણી ભરાઇ જતાં આયોજકો ચિંતિત છે તો બીજી તરફ ખેલૈયાઓ નિરાશ થયા છે.
ભરૂચ અને અંકલેશ્વરમાં ઘૂંટણસમા પાણી ભરાયા છે. વલસાડ, ભરૂચ, નવસારીમાં ગરબા પર વરસાદનું ગ્રહણ છવાયું છે. ભરૂચના તમામ ગરબા પંડાલોમાં પાણી ભરાયા છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.
નર્મદાના ડેડિયાપાડામાં આજે ચાર ઈંચ વરસાદ વરસ્યો છે. કરજણ ડેમમાંથી 32 હજાર ક્યૂસેક પાણી છોડાયું છે. પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે વહી રહી છે. નાંદોદમાં 1.5 ઈંચ, સાગબારામાં 2 ઈંચ વરસાદ વરસ્યો છે.
દાહોદમાં સાતમા નોરતે વરસાદનું ગ્રહણ છવાયું ચે. દાહોદના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગરબા પંડાલોમાં પાણી ભરાઈ જતા આયોજકોમાં દોડધામ મચી ગઇ છે. ગરબા પંડાલોમાંથી પાણી નિકાળવાની કામગીરી શરૂ થઇ ગઇ છે.
સાતમા નોતરે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતના ગરબા પર વરસાદનું ગ્રહણ છવાયું છે. ભરૂચમાં ધોધમાર વરસાદની શરૂઆત થઇ ગઇ છે. ભરૂચમાં વિઝિબિલિટી શૂન્ય થઇ ગઇ છે. ગાંધીનગર જિલ્લામાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે.
રાજ્યના 50 ટકા જિલ્લાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ, નવસારી, ભરૂચમાં ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાયા છે. ગાંધીનગરના દહેગામમાં પણ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. અનેક ઠેકાણે ગરબા ગ્રાઉન્ડમાં પાણી અને કાદવનું સ્રામરાજ્ય જોવા મળી રહ્યું છે. બપોર ફરી એક વખત વરસાદ શરૂ થતા આયોજકોમાં ચિંતા વધી છે.
છોટાઉદેપુરમાં આજના ગરબાના આયોજન પર વરસાદી પાણી ફરી વળ્યું છે. ગરબાના પંડાલ પાણી પાણી થઇ જતાં ગરબાનો કાર્યક્રમ કેન્સલ કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. નસવાડીમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો.
સંખેડા, ક્વાંટ, બોડેલી, નસવાડીમાં ઘોર ગાઢ વાદળ વચ્ચે વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં ધોધમાર વરસાદ
અમદાવાદમાં ભારે વરસાદના કારણે ગરબાના આયોજનના રંગમાં ભંગ પડ્યો છે. કેટલાક આયોજકોએ ગરબા કાર્યક્રમ રદ કરવાની જાહેરાત કરી છે. માના ગરબાના આયોજકો આજના ગરબાને રદ કરવાની જાહેરાત કરી છે. ઉલ્લેખનિય છે કે, સાંજ પડતાં જ અમદાવાદમાં વરસાદની શરૂઆત થઇ ગઇ છે.અમદાવાદમાં નારોલ-નિકોલ, સોલા, SG હાઈવે, એસપી રિંગ, સીલજ, મણિનગર, બાપુનગર સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરસાદના કારણે ગરબાના આયોજન પર ગ્રહણ લાગ્યું છે.





















