(Source: ECI/ABP News/ABP Majha)
Gujarat Rain:રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ શરૂ,માળીયા હાટીનામાં મેઘાની તોફાની બેટિંગ
બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં જૂનાગઢ,સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં મેઘરાજ મહેર કરી રહ્યા છે. જુનાગઢ - માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે.
Gujarat Rain: બપોર બાદ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. જેમાં જૂનાગઢ,સુરત અને નવસારીના કેટલાક વિસ્તારોમાં મેઘરાજ મહેર કરી રહ્યા છે. જુનાગઢ - માળીયા હાટીના તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો છે. પવન સાથે ધોધમાર વરસાદથી અનેક વિસ્તારોમાં રોડ રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા છે. ગળું શેરબાગ તેમજ આજુબાજુના વિસ્તારના ધોધમાર વરસાદથી રોડ રસ્તાઓ ઉપર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. વિષણવેલ, ગળું, સમઠિયાળા, ખોરાશા, ઝડકા, ધણેજ, ભંડુરી, ગળોદર, જુથળ, પાણીધ્રા, લાઠોદ્રા, ગાગેચા જેવા અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ગીરમાં પણ અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરું થયો છે. ધોધમાર વરસાદ પડતાં જ ખતરોમાં પાણી ભરાઈ ગયા છે. ધોધમાર વરસાદ વરસતા ખેડુતોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
તો બીજી તરફ સુરતના ઓલપાડ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લી 30 મિનિટથી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી તરફ હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
સાવરકુંડલાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 15 દિવસથી બપોર બાદ વરસાદ પડે છે. લીખાળા, વીજપડી, છાપરી અને દેડકડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. સતત પડી રહેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ છવાયો છે. હવામાન ખાતાની ત્રણ દિવસની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળ્યો. ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં બપોર બાદ ધોધમાર વરસાદ પડ્યો છે. પાલીતાણા તાલુકાના મોખડકા ,માલપરા, મોટી રાજસ્થળી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે.
નવસારી શહેર અને જિલ્લામાં ધીમીધારે વરસાદ વરસવાની શરૂઆત થઇ છે. જિલ્લામાં સાર્વત્રિક વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નવસારરી જિલ્લાના જલાલપોર, નવસારી ગ્રામ્ય, નવસારી શહેર, ચીખલી, વાંસદા અને ખેરગામ તાલુકામાં સામાન્ય વરસાદી ઝાપટા પડ્યા છે.
મહિસાગર જિલ્લામાં 24 કલાક દરમિયાન છુટો છવાયો વરસાદ નોંધાયો છે. બાલાસિનોર તાલુકામાં 0.66 ઈંચ, સંતરામપુર 4 MM, લુણાવાડા 3 mm અને ખાનપુરમાં 2 mm વરસાદ નોંધાયો છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં માત્ર બે કલાકમાં જ બે ઇંચ વરસાદ ખાબકી ગયો છે. સવારે 6થી 8 વાગ્યા સુધીમાં બે-બે ઇંચ વરસાદ વરસ્યો છે. આ સિવાય સવારે 6થી 8 વાગ્યા સુધીમાં ભાવનગરના મહુવા અને આણંદના ખંભાતમાં 1-1 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે બગસરા, વડિયા, તલાજા, ગીર ગઢડામાં અડધાથી લઈને એક ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. આ સિવાય કોડીનાર, થાનગઢ, ડેસર, પાલિતાણા, રાજકોટ, જસદણ, ચોટીલા, આંકલાવ, ગોંડલ, મોરવા હડફ, જેસર, અમરેલી, જલાલપોર અને કલોલ તાલુકામાં છૂટો છવાયો વરસાદ પડ્યો હતો.
અમરેલી જિલ્લાની વાત કરીએ તો સાવરકુંડલા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડતા રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા છે. જેસર રોડ રિદ્ધિ સિદ્ધિ ચોક મહુવા રોડ હાથસણી રોડ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સોસાયટીના રસ્તા ઉપર વહેતા થયા વરસાદી પાણી. ભારે વરસાદના કારણે નાના રાજુલાથી નાના રીગણીયા રોડ પર પાણી ભરાયા છે. ગામ લોકોને અવર જવરમાં મુશ્કેલી પડી રહી છે. વહેલી સવારથી અમરેલી અને આસપાસના ગામમાં વરસાદ વરસી રહ્યો છે. ખાંભા શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ખાંભાના મોટાભાગના ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદને પગલે ખાંભાની ધતારવાડી નદી પુર આવ્યું છે.
ભાવનગરમાં મહુવા પંથકમાં ચાર દિવસના વિરામ બાદ મેઘરાજનું આગમન થયું છે. આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટા બાદ વરસાદનું આગમન થયું છે. કણકોટ, ઉંચા કોટડા, ઓઠા, કસાણ, ખારી, દયાળ, બગદાણા, સહિતના મહુવા પંથકના ગામમાં મેઘ મહેર. વહેલી સવારથી જ મેઘરાજા મહેરબાન થતાં જ ખેડૂતો તેમજ ગ્રામજનોમાં ખૂશીની લહેર જોવા મળી. દરિયાકાંઠાના ગામોમાં વરસાદ નું જોર વધુ જોવા મળી રહ્યું છે.