22 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી, નવસારી,વલસાડ,દમણ અને દાદરાનગર હવેલીમાં રેડ અલર્ટ
હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર યથાવત છે. રાજ્યમાં આજે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં અને રાજકોટના ધોરાજીમાં ખાબક્યો છે.
ગાંધીનગર: હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં આજે વહેલી સવારથી જ મેઘમહેર યથાવત છે. રાજ્યમાં આજે સૌથી વધુ વરસાદ ગીર સોમનાથના સુત્રાપાડામાં અને રાજકોટના ધોરાજીમાં ખાબક્યો છે. સુત્રાપાડામાં 14 ઈંચ વરસાદ નોંધાયો છે, જ્યારે ધોરાજીમાં 10 ઈંચ વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 22 જૂલાઈ સુધી મેઘરાજા ગુજરાત પર મહેરબાન રહેશે. 22 જુલાઈ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને પગલે નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
જામકંડોરણામાં માત્ર દોઢ કલાકમાં 7 ઈંચ વરસાદ
રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ પડ્યો છે. જામકંડોરણા તાલુકા અને કાલાવડ તાલુકા વચ્ચે આવેલા ગામડાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. જામકંડોરણા તાલુકાના થોરીયાળી, સાતુદડ,વાવડી સહિતના ગામડાંઓમા નદીઓ બે કાંઠે થઈ છે.
સુત્રાપાડામાં આભ ફાટ્યું, 14 ઈંચ વરસાદ ખાબકતા જ્યાં જુઓ ત્યાં પાણી
હવામાન વિભાગની ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે.સુત્રાપાડામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. સુત્રાપાડમાં છેલ્લા 10 કલાકમાં 14 ઇંચ વરસાદ ખાબક્યો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડામાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે.
વહેલી સવારથી જ સુત્રાપાડામાં અનરાધાર વરસાદના પગલે કુલ 14 ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદના પગલે સુત્રાપાડા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદથી ખેતરો બેટમાં ફેરવાયા છે. અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા છે.
અંબાલાલ પટેલે કરી નવી આગાહી
આગામી 30 દિવસ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 30 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ વરસશે તેવી આગાહી કરી છે. હાલમાં ડીપ ડિપ્રેશન બન્યું છે જેના કારણે 18થી 22 તારીખ ભારેથી અતિભારે વરસાદ વરસશે. દક્ષિણ ગુજરાત, વડોદરાથી અમદાવાદ સુધીના વિસ્તારોમાં અતિભારે વરસાદની શક્યતા છે. મહેસાણા, પાલનપુર, ડીસા, થરાદ અને સાબરકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદ પડશે.
સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે
19, 20 અને 21 જુલાઈએ કચ્છ, સૌરાષ્ટ્રના વિસ્તારમાં અતિભારે વરસાદની શક્યતા છે. 19થી 21 જુલાઈના રોજ ભારે પવન સાથે અતિભારે વરસાદ પડશે. સાબરમતી, નર્મદા અને તાપી નદી બે કાંઠે વહેતી થવાની શક્યતા છે. સરદાર સરોવર બંધ ઓવરફ્લો થશે. ઓગસ્ટ મહિનામાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ભૂમધ્ય સાગરના 3 જબરદસ્ત સ્ટ્રોમ બની રહ્યા છે. ઓગસ્ટ મહિનામાં ભારે પવન સાથે દરિયામાં હલચલ વધશે.