હિંમતનગર નજીક ST બસ અને રિક્ષા વચ્ચે ગોઝારો અકસ્માત: રિક્ષા ચાલક સહિત ૩ના મોત, ૧ મહિલા ગંભીર રીતે ઘાયલ
રાજપુર પાટીયા પાસે આજે બપોરે ગંભીર અકસ્માત, ફાયર બ્રિગેડે રિક્ષા કાપીને મૃતદેહ બહાર કાઢ્યા, કંડક્ટરના જણાવ્યા મુજબ રિક્ષાચાલકની બેદરકારી કારણભૂત, સાબરકાંઠા જિલ્લામાં ૧૫ દિવસમાં બીજો મોટો અકસ્માત

Himmatnagar accident today: સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર નજીક આજે બપોરે એક અત્યંત ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ST બસ અને રિક્ષા વચ્ચે ગંભીર ટક્કર થતાં ત્રણ લોકોના કરુણ મોત નીપજ્યા હતા, જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ છે. આ દુર્ઘટના હિંમતનગરના રાજપુર પાટીયા પાસે આવેલા ડાયવર્જન રોડ પર બની હતી.
ઘટનાસ્થળે જ રિક્ષાચાલક અને ૧ મહિલાનું મોત, સારવાર દરમિયાન વધુ ૧નું મોત
અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા ચાલક મિતેશકુમાર સુરેશભાઈ પરમાર (ઉ.વ.૨૫) અને રિક્ષામાં સવાર એક મહિલા મુસાફર નઝમાબીબી અનવરખાન શેખ (ઉ.વ.૬૩) નું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. અકસ્માતમાં રિક્ષામાં સવાર અન્ય બે મહિલાઓને ગંભીર ઈજાઓ થઈ હતી, જેમને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જોકે, સિવિલમાં સારવાર દરમિયાન ઈજાગ્રસ્ત મહિલા પૈકી એક નીલમબેન ભાવેશભાઈ પરમાર (ઉ.વ.૪૦) નું પણ દુઃખદ અવસાન થયું હતું, આ સાથે અકસ્માતમાં કુલ મૃત્યુઆંક ૩ પર પહોંચ્યો હતો. જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત મહિલા લક્ષ્મીબેન અરવિંદભાઈ ગોસ્વામી (ઉ.વ.૪૫) હિંમતનગર સિવિલમાં સારવાર હેઠળ છે અને તેમની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસ અને ફાયર બ્રિગેડ દ્વારા બચાવ કામગીરી
અકસ્માતની જાણ થતાં જ હિંમતનગર ગ્રામ્ય પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ તુરંત ઘટનાસ્થળે દોડી પહોંચી હતી. ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત ઉઠાવીને રિક્ષાને કાપીને અંદર ફસાયેલા બંને મૃતદેહોને બહાર કાઢ્યા હતા. આ ગંભીર અકસ્માતને કારણે રોડ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. પોલીસે તાત્કાલિક ટ્રાફિક વ્યવસ્થાપન સંભાળીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બસ કંડક્ટરના જણાવ્યા મુજબ અકસ્માતનો ઘટનાક્રમ
બસના કંડક્ટર ઝુબેર મોમીને આ અકસ્માત કેવી રીતે થયો તેનો ઘટનાક્રમ જણાવતા કહ્યું કે, તેમની બસ હિંમતનગરથી બપોરે ૨:૪૫ વાગ્યે નીકળી હતી. રાજપુર પાટીયા પાસે રોડ પર ડાયવર્જન આપવામાં આવ્યું છે અને બસ ડાયવર્જન વાળા રોડ પર જઈ રહી હતી. તે જ સમયે સામેથી એક રિક્ષા પૂરઝડપે આવી હતી. બસ સાથે રિક્ષા અથડાય નહીં તે માટે બસના ડ્રાઈવરે રિક્ષાને બચાવવા માટે બસને ડિવાઈડર પર ચડાવી દીધી હતી, પરંતુ રિક્ષાના ચાલકે બસને જોઈ નહીં અને સીધી બસ સાથે ટક્કર થઈ, જેના પરિણામે આ ગમખ્વાર અકસ્માત સર્જાયો.
૧૫ દિવસમાં સાબરકાંઠા જિલ્લામાં બીજો મોટો અકસ્માત
ઉલ્લેખનીય છે કે, સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસમાં આ બીજો મોટો અને ગમખ્વાર માર્ગ અકસ્માત છે. આ પહેલા ૩ મે, ૨૦૨૫ ના રોજ ખેડબ્રહ્મા અંબાજી રોડ પર હિંગટિયા પાસે બપોરે ST બસ, જીપ અને બાઈક વચ્ચે થયેલા ટ્રિપલ અકસ્માતમાં એક બાળકી સહિત છ લોકોનાં મોત નીપજ્યાં હતા, જ્યારે સાત લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તે અકસ્માતમાં પણ જીપ અને બાઇક પર સવાર લોકોના મોત થયા હતા અને કેટલાક ઇજાગ્રસ્તોને હિંમતનગર સિવિલ અને વધુ ગંભીર ઇજાગ્રસ્તોને અમદાવાદ રીફર કરાયા હતા.





















