ગૃહમંત્રી અમિત શાહ આજથી ત્રણ દિવસના ગુજરાતના પ્રવાસે, મંગળા આરતી અને લોકાર્પણ કાર્યક્રમમાં આપશે હાજરી
દર વર્ષે તેઓ રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજરી આપે છે.
કેંદ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજ સાંજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે. ગુજરાત પ્રવાસ દરમિયાન અમિત શાહ અમદાવાદ અને ગાંધીનગર ખાતે જાહેર કાર્યક્રમમા હાજર રહેશે. જેમાં 11 જુલાઈએ બોપલ ખાતેનાં ઔડાની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ, બોપલ ખાતેની લાઈબ્રેરીનું લોકાર્પણ અને વેજલપુર ખાતે કોમ્યુનિટી હોલની મુલાકાત કરશે.
તો સાંજે સાણંદ ખાતે વિકાસ કામોનાં લોકાર્પણ કાર્યક્રમમાં હાજર રહેશે. અમિત શાહ (Amit Shah) 12 જુલાઈએ વહેલી સવારે જગન્નાથ મંદિરમાં સહપરિવાર મંગળા આરતી કરશે. દર વર્ષે તેઓ રથયાત્રા પહેલા જગન્નાથ મંદિરની મંગળા આરતીમાં પરિવાર સાથે હાજરી આપે છે. ત્યારબાદ તેમના ગાંધીનગર ખાતે અલગ અલગ કાર્યક્રમો છે. જેમા ગાંધીનગર જિલ્લાના નારદીપુર ખાતે તળાવનું લોકાર્પણ, ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટનું ઉદઘાટન અને FSL યુનિવર્સીટીનાં નાર્કોટિક્સ લેબનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ 13મીએ સવારે દિલ્લી જવા રવાના થશે.
ફોરન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા નાર્કોટિક ડ્રગ્સના પ્રકાર શોધવા માટે હાઇટેક નાર્કોટિક ડ્રગ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સીસ માટે સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે. સેન્ટર દ્વારા ડ્રગ્સના પ્રકાર ઓરિજિન તેમજ માત્રા શોધવા માટે લેટેસ્ટ ટેકનોલોજી વિકસાવવામાં આવી છે. તાત્કાલિક તપાસ તેમજ પુરાવાના અભાવે ડ્રગ પેડલરને કેટલાક સંજોગોમાં સજામાંથી રાહત મળી જતી હતી. પરંતુ હવે આ સેન્ટર શરૂ થવાથી કોઇ ગુનેગારોનું છૂટવું મુશ્કેલ બની જશે. ડ્રગ્સ પેડલરે કોને ડ્રગ્સ વેચ્યું છે.કોણે ક્યાંથી ડ્રગ્સની ખરીદી કરી છે. તેનું સમગ્ર દેશમાં કેવી રીતે નેટવર્ક ચાલે છે તેની તમામ માહિતી આ સેન્ટરના માધ્યમથી સરળતાથી મળી રહેશે.
કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ફરી ગુજરાત આવશે. થોડા દિવસ અગાઉ પણ અમિત શાહ ગુજરાત મુલાકાતે આવ્યા હતા જેમાં ત્રણ ઓવરબ્રિજનું લાકાર્પણ અને અનેક વિકાસના કામોને પ્રજા માટે ખુલ્લા મુક્યા હતા ત્યારે તેઓ ફરી ત્રણ દિવસ માટે ગુજરાત આવનાર છે.