મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં વિજય રૂપાણીનું કઈ રીતે કરાયું ભારે અપમાન ? જાણીને ચોંકી જશો
ભાજપમાં જ એવી ચર્ચા છે કે, ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી વિજય રૂપાણીને કોરાણે મૂકી દેવાયા છે.
રાજકોટ: ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપનારા વિજય રૂપાણીની વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ ઉપેક્ષા કરી રહી હોવાની ચર્ચા સતત ચાલ્યા કરે છે. આ ચર્ચા વચ્ચે રાજકોટના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં વિજય રૂપાણીની સાવ બાદબાકી કરી નંખાતાં આ ચર્ચાએ ફરી વેગ પકડ્યો છે.
રાજકોટમાં લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું આજે 9.45 કલાકે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરાયું હતું. લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય વિજયભાઈ રૂપાણીનું નામ જ નથી લખાયું. વિજય રૂપાણી ભલે મુખ્યમંત્રી ના રહ્યા પણ રાજકોટ પશ્ચિમ મતવિસ્તારના ધારાસભ્ય તો છે જ. લક્ષ્મીનગર અન્ડર બ્રિજના લોકાર્પણ કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાં વિજય રૂપાણી સિવાયના રાજકોટના તમામ ધારાસભ્યોનાં નામ છે ત્યારે રૂપાણીનું નામ જાણી જોઈને કાઢી નંખાયું છે કે શું એવો સવાલ પૂછાઈ રહ્યો છે. ભાજપનાં સૂત્રોના મતે, આ વિજય રૂપાણીનું બહુ મોટું અપમાન કહેવાય કેમ કે રૂપાણી કરતાં અનેક ગણા જુનિયર ધારાસભ્યોનાં નામ યાદ આવ્યાં પણ રૂપાણીનું નામ યાદ ના રહ્યું.
ભાજપમાં જ એવી ચર્ચા છે કે, ગુજરાતના મુખ્યમંત્રીપદેથી રાજીનામું આપ્યા પછી વિજય રૂપાણીને કોરાણે મૂકી દેવાયા છે. ગુજરાતની વર્તમાન સરકાર અને ભાજપ સંગઠન પણ રૂપાણીની ઉપેક્ષા કરી રહી છે તેનો આ વધુ એક પુરાવો છે. રૂપાણીનું નામ કેમ લખાયું જ નહીં એ સવાલ મોટો છે.
લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે વર્ચ્યુઅલી લોકાર્પણ કરાયું હતું. રૂપિયા 42 કરોડથી વધુનો ખર્ચ કરીને સાડા ત્રણ દાયકા જુના અન્ડર બ્રિજનું નવીનિકરણ હાથ ધરાયું હતું અને એ કામ પૂરું થતાં લોકાર્પણ કરાયું છે. લક્ષ્મીનગર અન્ડર બ્રિજ હેઠ થી રોજ 2 લાખ લોકો 50 હજારથી વધુ વાહનમાં પસાર થાય છે. દર વર્ષે પાણી ભરાવાને પગલે લોકોને હાલાકી પડે છે અને ચોમાસાના 4 મહિના બ્રિજ બંધ જ રહેતો હતો. હવે લક્ષ્મીનગર અન્ડર બ્રિજના નવીનીકરણથી વરસાદી પાણીનો તુરંત નિકાલ થશે કેમ કે લક્ષ્મીનગર અન્ડર બ્રિજમાં ભરાતાં પાણીના નિકાલ માટે મશીન મૂકાયાં છે.