ગુજરાતના આ જિલ્લામાં હવે રસી નહીં લીધી હોય તો ભરવો પડશે દંડ, જાણો કોને લાગુ થશે આ નિયમ
જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે.
રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્ય સરકારે રસીકરણને વધુ વેગવંતુ બનાવવા માટે કમર કસી છે. હવે ખાસ કરીને શાકભાજી, હોટેલ-રેસ્ટોરંટ, ચાની કિટલી, પાનના ગલ્લાવાળા સહિતના દુકાનદારોએ કોરોનાની રસી લીધી નહી હોય તેની સામે દંડ અને શિક્ષાત્મક કાર્રવાઈ કરાશે. આ ઉપરાંત દુકાનને સીલ મારવા સુધીની કાર્રવાઈ કરવામાં આવશે.
જેણે રસી લીધી નહી હોય તેણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. અમદાવાદ શહેર અને જિલ્લામાં બે દિવસમાં જ કલેક્ટર આ મુદ્દે જાહેરનામું પ્રસિદ્ધ કરશે. રાજકોટ, સુરેંદ્રનગર જિલ્લા કલેક્ટરોએ તો જાહેરનામું પ્રસિદ્ધ કરી દીધુ છે. અમદાવાદમાં પણ બે દિવસમાં જ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવશે.
ખાસ કરીને સુપરસ્પ્રેડરો જેમ કે શાકભાજી-ફ્રુટ વેંચનારા, ચાની કિટલી, પાનના ગલ્લા, રિક્શા ટેક્સ ચાલક, ક્લિનર,હેર સલુન, બ્યુટી પાર્લર, ખાનગી સિક્યોરિટી, પ્લંબર, લુહાર, ઈલેક્ટ્રિશિયન, ઉપરાંત હોટેલ અને રેસ્ટોરંટમાં કામ કરનારાઓને રસી આપવાનું નક્કી કરાયું છે.
આ તમામ વ્યવસાયકારોને રસી લઈ લેવા અપીલ કરવામાં આવશે. જેણે રસી લીધી નહી હોય તેમણે આરટી-પીસીઆર નેગેટિવ રિપોર્ટ રાખવો પડશે. દસ દિવસથી કોરોના નથી તેવો રિપોર્ટ પોલીસ માંગે તો તે રજુ કરવાનો રહેશે. એટલુ જ નહી જેણે રસી લઈ લીધી હશે તેણે પોલીસ માંગે તો રસીકરણનું સર્ટિફિકેટ દેખાવડુ પડશે.
આ પહેલા સુરત શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મહાનગરપાલિકાએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે. વેક્સિનના બે ડોઝ કે કોરોના થઈ ચૂક્યો હશે તેવા વેપારીઓને પાલિકા ગ્રીન કાર્ડ આપશે. તો જે દુકાનદારોએ હજુ સુધી વેક્સીન લીધી નથી કે જેને કોરોના થયો નથી તેવા દુકાનદારોને વ્હાઈટ કાર્ડ આપવામાં આવશે. આ તમામ દુકાનદારોએ દર અઠવાડિયે કોરોનાનો ટેસ્ટ કરાવીને રિપોર્ટ રજૂ કરવાનો રહેશે અને નેગેટિવ હશે તો જ દુકાન ખોલી શકશે. બીજી બાજુ જેની પાસે ગ્રીન કાર્ડ હશે તેવા વેપારી કે દુકાનદારોને ચેકિંગ અને પૂછપરછથી રાહત મળશે.
છેલ્લા બે દિવસમાં મનપાએ વિવિધ ઝોનમાં બે હજારથી વધુ ગ્રીન કાર્ડ આપ્યા છે. સમગ્ર દેશમાં આવી રીતે વ્હાઈટ કાર્ડ અને ગ્રીનકાર્ડનો કોન્સેપ્ટ શરૂ કરનાર સુરત મનપા પ્રથમ છે.