Gujarat Rain: આગામી ત્રણ કલાક 3 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, ‘રેડ એલર્ટ’ જાહેર
Gujarat Rain Alert: હવામાન વિભાગે નાઉકાસ્ટ જાહેર કરીને આગાહી કરી છે. ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.

- આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધી કચ્છ, જામનગર અને રાજકોટ જિલ્લામાં ધોધમાર વરસાદ માટે 'રેડ એલર્ટ' જાહેર કરાયું છે.
- મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલી સહિત સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે.
- રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 52% વરસાદ નોંધાઈ ચૂક્યો છે, અને આગામી છ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેવાની સંભાવના છે.
Rain Forecast in Gujarat: ગુજરાતમાં આજે રવિવારે સાંજે હવામાન વિભાગે મહત્વપૂર્ણ 'Nowcast' જાહેર કરતા, રાજ્યના 3 જિલ્લામાં 'રેડ એલર્ટ' જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં કચ્છ, જામનગર અને રાજકોટનો સમાવેશ થાય છે, જ્યાં આજે સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધીના 3 કલાકના ગાળામાં ધોધમાર અને અતિભારે વરસાદ પડવાની સંભાવના છે.
આ ઉપરાંત, હવામાન વિભાગે સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓ જેવા કે મોરબી, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ ભારે વરસાદની આગાહી કરી છે. આ જિલ્લાઓમાં પણ મેઘગર્જના સાથે વ્યાપક વરસાદ પડી શકે છે.
ગુજરાતમાં સીઝનનો 52% વરસાદ
ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય બન્યું છે અને રાજ્યમાં સીઝનનો કુલ 52% વરસાદ વરસી ચૂક્યો છે. હવામાન વિભાગે આગામી છ દિવસ સુધી રાજ્યભરમાં વરસાદી માહોલ જળવાઈ રહેવાની આગાહી કરી છે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર સક્રિય થયેલ ડિપ્રેશન હવે પશ્ચિમ રાજસ્થાન તરફ આગળ વધીને વેલમાર્ક લો પ્રેશર માં પરિવર્તિત થયું છે. આ જ સિસ્ટમના કારણે ગુજરાતમાં ફરી એકવાર મેઘરાજાએ જોરદાર બેટિંગ શરૂ કરી છે.
આજે ક્યાં ક્યાં એલર્ટ?
આજે (રવિવારે) સાંજે 4 વાગ્યાની સ્થિતિ મુજબ, રાજ્યના 4 જિલ્લામાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર અને જૂનાગઢ નો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત, કચ્છ, મોરબી, રાજકોટ, ગીર સોમનાથ અને સંઘ પ્રદેશ દીવમાં પણ વરસાદનું 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના છે.
વરસાદના આંકડા
આજે સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 98થી વધુ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 3.5 ઇંચ, જ્યારે જામનગરના જોડિયામાં 2.75 ઇંચ વરસાદ વરસ્યો છે. ગીર સોમનાથના સુત્રાપાડા, જૂનાગઢના કેશોદ, જૂનાગઢ તાલુકા અને જૂનાગઢ શહેરમાં પણ 1.5 ઇંચ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત, જામજોધપુર, ટંકારા અને વંથલીમાં પણ 1-1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે.





















