24 કલાકમાં વરસાદનો તોફાની રાઉન્ડ: સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં વરસાદ ભુક્કા બોલાવશે! બંદરો પર 3 નંબરનું સિગ્નલ લાગ્યું
Gujarat Rain alert: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી એક સપ્તાહ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની આગાહી કરવામાં આવી છે, જે ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે રાહત અને સાવચેતી બંનેનો સંકેત આપે છે.

Gujarat heavy rainfall forecast: ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહી મુજબ, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય ગુજરાતમાં આગામી 24 કલાક દરમિયાન વરસાદનું જોર વધુ રહેશે. ભારે પવન ફૂંકાવાની શક્યતાને કારણે દરિયાકાંઠાના બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
હવામાન વિભાગે ગુજરાતમાં 24 થી 30 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ઉત્તર ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની સંભાવના છે. આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગરમાં 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરાયું છે. જ્યારે અન્ય ઘણા જિલ્લાઓ માટે 'યલો એલર્ટ' જારી કરવામાં આવ્યું છે. 25 ઓગસ્ટના રોજ અમદાવાદમાં ગાજવીજ સાથે ભારે વરસાદની શક્યતા છે. દરિયાકાંઠે 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે, જેના પગલે માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી અપાઈ છે.
આજની વરસાદની આગાહી (24 ઓગસ્ટ)
- ઓરેન્જ એલર્ટ: આજે બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ અતિભારે વરસાદની શક્યતા છે, જેના કારણે 'ઓરેન્જ એલર્ટ' આપવામાં આવ્યું છે.
- યલો એલર્ટ: પાટણ, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, બોટાદ, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવ, કચ્છ, સુરત, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી જેવા વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે, જેના માટે 'યલો એલર્ટ' જારી કરાયું છે.
આવતીકાલની વરસાદની આગાહી (25 ઓગસ્ટ)
- ઓરેન્જ એલર્ટ: આવતીકાલે બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી અને મોરબીમાં અતિભારે વરસાદને લઈને 'ઓરેન્જ એલર્ટ' જારી કરવામાં આવ્યું છે.
- યલો એલર્ટ: મહેસાણા, ગાંધીનગર, ખેડા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમદાવાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, દેવભૂમિ દ્વારકા, કચ્છ, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના છે. ખાસ કરીને અમદાવાદમાં પણ ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
દરિયાકાંઠા માટે ચેતવણી
આગામી દિવસોમાં દરિયાકાંઠે પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે. આને ધ્યાનમાં રાખીને, તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. સલામતીના ભાગરૂપે, માછીમારોને આગામી દિવસો સુધી દરિયો ન ખેડવા માટે સ્પષ્ટ સૂચનાઓ આપી દેવામાં આવી છે. આ ચેતવણી દરિયામાં જતા લોકો માટે અત્યંત મહત્વપૂર્ણ છે.





















