પગારથી વંચિત પ્રવાસી શિક્ષકો માટે મહત્વના સમાચાર, પ્રવાસી શિક્ષકો માટે ફળવાઇ ગ્રાન્ટ, જાણો વિગત
શાળા કમિશનરની કચેરી મારફતે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ એક સપ્તાહમાં પ્રવાસી શિક્ષકોના ખાતામાં પગારની રકમ જમા થશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે ચારથી પાંચ હજાર જેટલા પ્રવાસી શિક્ષકો કાર્યરત છે
ગાંધીનગર:ફરી એકવાર એબીપી અસ્મિતાના અહેવાલની અસરના કારણે પગારથી વંચિત રહેલા પ્રવાસી શિક્ષકોને ન્યાય મળ્યો છે એબીપી અસ્મિતાના હું તો બોલીશ કાર્યક્રમના માધ્યમ થકી અમદાવાદ સહિત રાજ્યભરમાં કામ કરતા પ્રવાસી શિક્ષકોને પગારથી વંચિત રેહવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. એબીપી અસ્મિતા 25 મી જાન્યુઆરીએ રાજ્યમાં ગ્રાન્ટેડ શાળામાં પ્રવાસી શિક્ષક તરીકે કામ કરતા શિક્ષકોને સાત મહિનાથી પગાર ન થયો હોવાનો અહેવાલ પ્રસારિત કર્યો હતો. જે બાદ અમદાવાદમાં ઉચ્ચતર માધ્યમિક શાળામાં કામ કરતા શિક્ષકોના પગાર માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી છે.
શાળા કમિશનરની કચેરી મારફતે ગ્રાન્ટની ફાળવણી કર્યા બાદ એક સપ્તાહમાં પ્રવાસી શિક્ષકોના ખાતામાં પગારની રકમ જમા થશે. અમદાવાદ સહિત રાજ્યભરમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં અંદાજે ચારથી પાંચ હજાર જેટલા પ્રવાસી શિક્ષકો કાર્યરત છે. જ્યાં કેટલાક સ્થાન પર ગ્રાન્ટ ન મળવાના કારણે પગાર ચૂકવાયો ન હતો જેના કારણે શિક્ષકોની કફોડી હાલત બની હતી. જોકે હવે અમદાવાદ સહિત એક બાદ એક જ્યાં બાકી હોય ત્યાં ગ્રાન્ટની ફાળવણીની પ્રક્રિયા પણ કરવામાં આવી રહી છે.રાજ્ય સરકારે વર્ષ 2016 દરમિયાન રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ઘટનાને પહોંચી વળવા માટે પ્રવાસી શિક્ષકોનો વિકલ્પ શરૂ કર્યો હતો. જેમાં શિક્ષકોને દિવસના મહત્તમ 5 પીરીયડ નકકી કરવામાં આવ્યા હતાં. માધ્યમિક શિક્ષકોને મહિને 16,500 અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મહિને 16,700 પગાર મળતો હોય છે.
Gandhinagar: ગુજરાતની શાળાઓમાં શિક્ષકોએ ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા પ્રસ્તાવ, આજે બોર્ડ લેશે નિર્ણય
ગાંધીનગર: આમ તો દરેક વ્યક્તિ જેને જે પહેરવું હોય તેના માટે સ્વાતંત્ર જ છે. પરંતુ જ્યારે એક શિક્ષક તરીકે વ્યક્તિ શાળામાં આવે છે ત્યારે ઘણી બધી મર્યાદા હોય છે. એક પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે કે, શાળામાં બાળકોને માટે અને શાળાના વાતાવરણને શોભે તેવા પોષાક પહેરવા જોઈએ. શિક્ષિકાઓ માટે સલવાર- કુર્તી પહેરી શકાય. આદર્શ પહેરવેશની સાથે જો કોઈ યુનિફોર્મ હોય તો તે વધુ શ્રેષ્ઠ સાબિત થઈ શકે. શિક્ષકોનું વ્યક્તિત્વ બાળકો માટે મહત્વનું સાબિત થાય છે.
સામાન્ય સભામાં અનેક પ્રસ્તાવો પર ચર્ચા થશે
આજકાલના બાળકો સ્માર્ટ છે અને ઘણું બધું નિરીક્ષણ કરતા હોય છે. કોઈપણ વ્યક્તિનો ડ્રેસ - પહેરવેશ માણસના વ્યક્તિત્વ અંગે પહેલી દ્રષ્ટિએ મહત્વનો હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે સામાન્ય સભા યોજાવાની છે. સામાન્ય સભામાં અનેક પ્રસ્તાવો પર ચર્ચા થશે. ચર્ચાના અંતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ નિર્ણય કરશે.
કોમ્પ્યુટર વિષયની ફી રૂ. 50થી વધારી 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ
શાળાઓમાં ભારતીય સંસ્કૃતિને શોભે તેવા કપડા પહેરવા અંગેનો પ્રસ્તાવ મુકાયો છે. શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના ડ્રેસ અંગેના પ્રસ્તાવ અંગે આ સભામાં નિર્ણય લેવાશે. આ ઉપરાંત કોમ્પ્યુટર વિષયની ફીમા આઠ ગણો વધારો કરવાની પણ દરખાસ્ત મુકવામાં આવી છે. કોમ્પ્યુટર વિષયની ફી રૂ. 50થી વધારી 400 રૂપિયા કરવાનો પણ પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. ધો. 10માં સ્ટાન્ડર્ડ અને બેઝિક અભ્યાસ અલગ કરવાના પ્રસ્તાવ અંગે પણ આજે ચર્ચા થશે. નવી શાળાઓ માટેના કેટલાક નિયમો અંગે પણ ચર્ચા કરીને નિર્ણય કરવામાં આવશે.
શાળામાં શોભે એવાં પોષાક પહેરવા જોઈએ
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્ય દ્વારા શાળામાં શિક્ષકો માટે આદર્શ પહેરવેશ માટેનો પ્રસ્તાવ મૂક્યો છે. તેવામાં abp asmita એ અમદાવાદની શાળાના શિક્ષકો સાથે વાત કરી તેમની પ્રતિક્રિયા જાણવાનો પ્રયાસ કર્યો બોર્ડના સભ્ય દ્વારા પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે શાળામાં શોભે એવા આદર્શ કપડા પહેરવા જોઈએ. જ્યારે શિક્ષકો પણ આ બાબતને મહદઅંશે આવકારી રહ્યાં છે, શિક્ષકોનું કહેવું છે કે શિક્ષકો જ્યારે શાળામાં પહોંચે છે ઘણી મર્યાદા હોય છે, જેથી તેમને શાળામાં શોભે એવાં પોશાક પહેરવા જોઈએ.