આગામી 3 કલાકમાં રાજ્યના આ વિસ્તારમાં વરસાદ પડશે, જાણો ક્યાંક હળવો તો ક્યાંક મધ્યમ વરસાદની આગાહી
આ સમયગાળા દરમિયાન તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે.
Gujarat Rain Forecast: IMD મુજબ, આજે ગુજરાત અને દક્ષિણ રાજસ્થાનમાં હળવા/મધ્યમથી ભારે વરસાદની અપેક્ષા છે. આ સમયગાળા દરમિયાન તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 20 અને 22 સપ્ટેમ્બર દરમિયાન સબ-હિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઝારખંડમાં, 21 અને 22 સપ્ટેમ્બરે ગંગાના પશ્ચિમ બંગાળ અને બિહારમાં, 19-21 સપ્ટેમ્બર દરમિયાન ઓડિશામાં હળવા/મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આ સમયગાળા દરમિયાન તોફાન અને વીજળી પડવાની પણ સંભાવના છે.
સાથે જ ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં વરસાદની હવમાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગ અનુસાર રાજ્યમાં આગામી 3 કલાકમાં કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, મોરબી, મહેસાણા, સાબરકાંઠા, રાજકોટ, જૂનાગઢમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. જ્યારે દ્વારકા, જામનગર, પોરબંદર, ગીર સોમનાથ, દીવ, અમરેલી, બોટાદ, અમદાવાદ,ગાંધીનગર, અરવલ્લી, મહિસાગર, ખેરા, આણંદ, ભાવનગર, ભરૂચ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદર અને નગર હવેલીમાં આગામી 3 કલાકમાં દરમિયાન હળવા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
વલસાડ જિલ્લામાં પણ આજે વરસાદી માહોલ છવાયો છે. સવારથી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસી રહ્યો છે. સવારે વલસાડ અને આસપાસના વિસ્તારમાં થોડા સમય સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. આથી રસ્તાઓ પાણી પાણી થયા હતા. વલસાડ ઉપરાંત જિલ્લાના વાપી ધરમપુર કપરાડા પારડી અને ઉમરગામ તાલુકામાં પણ છૂટો છવાયો વરસાદ વરસ્યો હતો. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરી છે. આથી છેલ્લા 3 દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે. જોકે આજે સવારથી જ જિલ્લાના તમામ તાલુકાઓમાં અનેક વિસ્તારો માં મેઘ મહેર યથાવત રહી હતી. હજુ પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. ત્યારે જિલ્લામાં થઈ રહેલી શ્રીકારવર્ષા ખેતીના પાક માટે આશીર્વાદરૂપ હોવાથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે
સપ્ટેમ્બરમાં દેશના ઘણા રાજ્યોમાં ફરી શરુ થઈ આકાશી આફત. મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં આજે પણ ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. સાથે જ હિમાચલપ્રદેશ, પંજાબ, હરિયાણામાં પણ ભારે વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ફરીથી સક્રિય થયેલા મોનસુનને લીધે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. રાજસ્થાનમાં ભારે વરસાદથી સર્જાયેલી આપદાથી છેલ્લા 24 કલાકમાં 10 લોકોના મોત નિપજ્યા છે. સાથે જ રેલવે સેવા પર પ્રભાવિત થઈ છે. જો કે હવામાન વિભાગ અનુસાર રાજસ્થાનમાં આજથી વરસાદનું જોર ઘટશે. જો કે દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનના અમુક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.