સીએમ ભૂપેન્દ્ર પટેલે ધ્વજવંદન કરી ગરીબો માટે કરી મોટી જાહેરાત, જાણો શું લાભ થશે
CM Bhupendrabhai Patel Announcement: પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવા જરૂરતમંદ પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. ૧૫ હજારથી વધારીને રૂ. ૨૦ હજાર કરાશે.

Independence Day 2024: ગુજરાત રાજ્યમાં સ્વાતંત્ર્ય દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં નડિયાદ શહેરમાં રાજ્ય કક્ષાનો મુખ્ય સમારોહ યોજાયો. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને રાજ્યના નાગરિકોને સંબોધિત કર્યા.
મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે એક મહત્વપૂર્ણ જાહેરાત કરી. તેમણે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત લાભાર્થીઓની માસિક આવક મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની ઘોષણા કરી.
મુખ્યમંત્રી પટેલે જણાવ્યું કે, "રાજ્ય સરકારે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ (NFSA) હેઠળ આવતા પરિવારોની માસિક આવક મર્યાદા 15,000 રૂપિયાથી વધારીને 20,000 રૂપિયા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણયથી રાજ્યના વધુ પરિવારોને સરકારી યોજનાનો લાભ મળશે."
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકસિત ભારતના નિર્માણ માટેની વડાપ્રધાનની નેમને સાકાર કરવા માટે વિકસિત ગુજરાતના યોગદાનમાં સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોથી અગ્રેસર રહેવા રાજ્યવાસીઓને આહવાન કર્યું છે. સરદાર સાહેબની જન્મ ભૂમિ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમાં મુખ્યમંત્રીએ ૭૮મા સ્વાતંત્ર્ય પર્વની રાજ્ય ઉજવણીમાં ત્રિરંગો લહેરાવી ધ્વજ વંદના કરાવતાં સુગમતા, સરળતા, સંપર્ક, સમર્પણ, સહભાગિતા, સશક્તિકરણ અને સુરક્ષા એમ સુશાસનના સાત સપ્તર્ષિ સંકલ્પોની વિભાવના સ્પષ્ટ કરી હતી.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, જેમ આઝાદીના જંગમાં ગુજરાત મહાત્મા ગાંધી અને સરદાર સાહેબના નેતૃત્વમાં પથદર્શક બન્યું હતું, તેમ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આ સુશાસન સપ્તર્ષિથી ગુજરાત પથદર્શક બનશે. મુખ્યમંત્રીએ આ રાષ્ટ્રીય પર્વે પ્રજાજનોને આપેલા પ્રેરક સંદેશમાં સુશાસન સંબંધિત બે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વધુ સંગીન બનાવવા માર્ગોના વિસ્તૃતિકરણ અને મજબૂતીકરણ માટે રૂ. ૫૦૧૭ કરોડની ફાળવણીની જાહેરાત કરી હતી. એટલું જ નહી, પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજનામાં રાજ્યના વધુ લોકોને આવરી લેવાના હેતુંથી જરૂરતમંદ એન.એફ.એસ.એ. પરિવારોની માસિક આવકની મર્યાદા રૂ. ૧૫ હજારથી વધારીને રૂ. ૨૦ હજાર કરવાની પણ તેમણે ઘોષણા કરી હતી.
કોરોનાના કપરા કાળથી દેશના કરોડો જરૂરિયાતમંદ પરિવારોને અન્ન સુરક્ષા પૂરું પાડતી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યમાં નવી જાહેરાત..#IndependenceDayGuj pic.twitter.com/KE4tVdzrOz
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
મુખ્યમંત્રીએ સુશાસનના જે સાત સપ્તર્ષિ સંકલ્પોના પાયા ઉપર ગુજરાતને વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના નિર્માણમાં યોગદાન આપનારૂ રાજ્ય બનાવવું છે, તે પરિપ્રેક્ષ્યમાં ઉમેર્યું કે, સુગમતા સરળતાના સંકલ્પથી લોકહિત યોજનાઓનો લાભ મેળવવામાં કોઇને અગવડ ના પડે તેવી ‘‘ફ્રિક્સન લેસ’’ ગવર્નન્સ વ્યવસ્થા વધુ સંગીન બનાવવી છે.
સુશાસનના ત્રીજા સંકલ્પ સંપર્ક અંતર્ગત આધુનિક સંપર્કના માધ્યમોથી લોકો પોતાની રજૂઆતો સરકાર સુધી ઝડપભેર અને સરળતાથી પહોંચાડી શકે અને સરકાર પણ સામે ચાલીને તેનું સમાધાન લાવે તેવા પ્રયત્ન કરાશે. આ માટે ડિઝીટલ ગુજરાત, સ્વાગત ઓનલાઇન, સીએમ ડેશબોર્ડ, વોટ્સએપ બોટ, રાઇટ ટુ સીએમ સહિતના પ્રજા અને પ્રશાસન વચ્ચેના સંપર્ક માધ્યમોને વધુ અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ કરાશે, તેમ તેમણે ઉમેર્યું હતું.
ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, અમે નાગરિકોની સેવામાં સમર્પિત છીએ. નેશન ફર્સ્ટના ભાવથી કામ કરી દરેક ગુજરાતીમાં દેશ પ્રત્યેનો ભાવ બળવત્તર બને તેવો સરકારનો ધ્યેય છે. ‘‘મારૂં ગુજરાત, સર્વ શ્રેષ્ઠ ગુજરાત’’ના ભાવ સાથે વિકાસની પ્રક્રિયામાં લોકસહભાગિતાની વૃદ્ધિ માટે પણ તેમણે આહવાન કર્યું હતું. વિકાસના કેન્દ્ર બિંદુ એવા વિવિધ વંચિત વર્ગો આદિજાતિ, મહિલાઓ તથા ગરીબોના સશક્તિકરણનો સુશાસન સપ્તર્ષિના છઠ્ઠા સંકલ્પ તરીકે મુખ્યમંત્રીએ ઉલ્લેખ કર્યો હતો.
આ પણ વાંચોઃ સ્વામિનારાયણ અક્ષરધામ મંદિર દિલ્હી ખાતે મહંતસ્વામીની સંનિધિમાં ધ્વજવંદન સમારોહ
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
