રાજ્યમાં ફરી મેઘરાજાની ધમાકેદાર એટ્રી થશે, આજથી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે પરંતુ ભાવનગર જિલ્લામાં વરસાદ આવતો નથી તેથી ખેડૂતોની ચિંતા વધી છે.
ફરી મેઘરાજા કરશે જમાવટ. આ આગાહી કરી છે હવામાન વિભાગે. હવામાન વિભાગના અનુસાર સોમવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે. હવામાન વિભાગના મતે આ સીઝનમાં અત્યાર સુધી દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ પડ્યો છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં છે હજુ વરસાદની ઘટ છે. ત્યારે આજથી 5 ઑગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ પડશે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો 35.48 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિનામાં સરેરાશ 6.92 ઈંચ વરસાદ વરસ્યો છે.
ભાવનગર જિલ્લામાં વરસાદ નહી પડતા ખેડૂતોની ચિંતા વધી
હાલ ચોમાસાની ઋતુ ચાલી રહી છે પરંતુ ભાવનગર જિલ્લામાં વરસાદ આવતો નથી તેથી ખેડૂતોની ચિંતા વધી છે. આશરે એક માસ પૂર્વે સારો વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરી નાખી હતી પરંતુ ત્યારબાદ સારો વરસાદ પડતો નથી. થોડા દિવસ પૂર્વે ઝરમર વરસાદ પડયો હતો તેથી ખેડૂતોને થોડી રાહત થઈ હતી પરંતુ ત્યારબાદ વરસાદ પડયો નથી તેથી ખેડૂતોની મુંઝવણ વધી છે. હાલ વરસાદની આગાહી છે અને આકાશમાં વાદળો પણ ઘેરાય છે પરંતુ વરસાદ પડતો નથી.
સમગ્ર દેશમાં વરસાદ
હવામાન વિભાગ અનુસાર, 01 થી 02 ઓગસ્ટ દરમિયાન પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે. 02 ઓગસ્ટ સુધી, પૂર્વીય યુપીના ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ પણ શક્ય છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો માટે ‘રેડ એલર્ટ’ જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 1 થી 4 ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના પૂર્વ ભાગ અને મધ્યપ્રદેશના પશ્ચિમ ભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતમાં બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે.
વરસાદ નહી પડતા ભાવનગર જિલ્લાના મોટાભાગના ડેમો પણ ખાલી જોવા મળી રહ્યા છે. થોડા દિવસમાં વરસાદ નહી પડે તો ખેતીનો પાક સુકાય જવાની ભીતિ રહેલી છે ત્યારે હાલ વરસાદ માટે ખેડૂતો પ્રાર્થના કરતા નજરે પડી રહ્યા છે.