વન રક્ષકનું પેપર ફૂટ્યું હોવાના મામલે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ શું આપ્યું મોટું નિવેદન, જાણો
મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. હવે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ સમગ્ર ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી છે.
ગાંધીનગર: રાજ્યમાં પેપર ફૂટવાનો સિલસિલો યથાવત છે. ફરીથી વધુ એક સરકારી ભરતીની પરીક્ષાનું પેપર સોશિયલ મીડિયા પર વાયરલ થયું હોવાની આશંકા છે. મહેસાણાના ઉનાવા શ્રી નાગરિક મંડળ સેન્ટર ઉપર યોજાયેલી વન રક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યું હોવાની આશંકા છે. હવે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ આ સમગ્ર ઘટનાને લઈ પ્રતિક્રિયા આપી છે. વનરક્ષક પરીક્ષાનું પેપર ફૂટ્યાની વાતનો શિક્ષણ મંત્રીએ ઇનકાર કર્યો છે. પ્રાથમિક રીતે કોપી કેસ ગણાવ્યો છે. તથ્ય સામે આવ્યા બાદ કાર્યવાહીની તેમણે ખાતરી આપી છે.
પરીક્ષા શરૂ થાય તે પહેલાં નાગરિક મંડળના લેટર પેડ ઉપર પ્રશ્નપત્રના જવાબ ફરતા થયા હોવાની આશકા છે. મળતી માહિતી મુજબ 10 નંબરના બ્લોકમાંથી પાણી પીવા બહાર આવેલો વિધાર્થી જવાબ વાળા લેટરપેડ સાથે રૂમમાં આવ્યો હતો. પરીક્ષા ખંડમાં જવાબ સાથે ઉમેદવાર આવતાં નિરીક્ષકે પકડી પાડ્યો હતો અને પેપર ફોડવાનો ભાંડો ફૂટ્યો હતો.