'શહેરમાં ઠેક-ઠેકાણે ખોટું બાંધકામ, અધિકારીઓની મિલીભગત, તપાસ કરાવો.....' - BJP MLA સંજય કોરડિયાએ લખ્યો મુખ્યમંત્રીને પત્ર
જૂનાગઢમાં આવેલ પૂર અને ત્યાર બાદના ઘટનાક્રમ મુદ્દે ભાજપના જ ધારાસભ્યએ જૂનાગઢ મહાનગર પાલિકા અને સ્થાનિક નેતાઓની પોલ ખોલી છે
Junagadh: જૂનાગઢમાંથી કૌભાંડ અને ગોટાળાને લઇને ખુદ ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કર્યાની હકીકત સામે આવી છે. ધારાસભ્ય સંજય કોરડીયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખીને પોતાના મતવિસ્તારમાં થઇ રહેલા કૌભાંડો અંગ જાણ કરી છે, અને તપાસ કરવા માંગ કરી છે.
જૂનાગઢમાં આવેલ પૂર અને ત્યાર બાદના ઘટનાક્રમ મુદ્દે ભાજપના જ ધારાસભ્યએ જૂનાગઢ મહાનગર પાલિકા અને સ્થાનિક નેતાઓની પોલ ખોલી છે.. મનપામાં ચાલી રહેલી ગોબાચારીની ખુદ શાશક પક્ષના ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર લખીને પોલ ખોલી છે. વોંકળા કાંઠે થયેલા બાંધકામો અને નિર્માણોની મંજૂરીને લઈને ધારાસભ્યએ સવાલ ઉઠાવ્યા છે. છેલ્લા દસ વર્ષમાં થયેલા વોંકળાકાંઠાના નિર્માણોની તપાસ કરવા તેમ જ સિટી સર્વે લેન્ડ રેકર્ડ કચેરીની કાર્યવાહી પર પણ ગંભીર સવાલ ઉઠાવ્યા છે. બેકાર રસ્તાઓ, આડેધડ ખોદકામ, મનમરજી રૂપિયા લઈને અપાયેલી મંજૂરીઓને કારણે જ પાણીના નિકાલના રસ્તા બંધ થતા હોવાનો પરોક્ષ આરોપ છે. અનેક રસ્તાઓના માપ ખોટા બતાવી નિર્માણોને મંજૂરી અપાયાના આરોપો લાગી રહ્યા છે. બાંધકામની મંજૂરી માટે ફાઈલોમાં મુકાયેલા નક્શા અને જમીની હકિકત અલગ હોવાની પણ ચર્ચા ચાલી રહી છે. રહેણાંક અને કોમર્શિયલ રહેણાંકની મંજૂરીને લઈને અનેક ફરિયાદો સ્થાનિકો વારંવાર કરતા રહ્યા છે, પરંતુ સ્થાનિક નેતાઓના જોરના કારણે નાગરિકોની આ માગણીની કોઈ અસર ન થતા ન છુટકે ધારાસભ્યએ મુખ્યમંત્રીને રજૂઆત કરી છે. યોગ્ય તપાસ થાય તો અનેક બિલ્ડરો અને તેમની સાથે મળેલા નેતાઓના પગ નીચેથી જમીન સરકે તેવી શક્યતા છે..
ધારાસભ્ય સંજય કોરડિયાનો આક્ષેપ છે કે, અહીં કેટલીય જગ્યાએ સીટી સર્વે કચેરી, લેન્ડ રેકર્ડ કચેરી દ્વારા ખોટી માપણી બનાવી મહાનગરપાલિકા મારફતે બૉગસ બાંધકામની મંજૂરી આપવામાં આવી છે, આ અંગે નિષ્પક્ષ તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. તેમને આ પત્રમાં લખ્યું છે કે, નિયમોને નેવે મૂકી કાયદાનું ઉલ્લંઘન કરી બાંધકામની મંજૂરી આપતા અધિકારીઓ સામે તપાસ કરવી જરૂરી છે.
આ પહેલા પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું હતુ -
પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે.ભાજપના પ્રદેશ મહામંત્રી રજની પટેલે પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે પ્રદીપસિંહ વાઘેલાએ અંગત કારણોસર રાજીનામું આપ્યું છે. તેમણે કહ્યું હતું કે પ્રદિપસિંહ વાઘેલાનું રાજીનામું સ્વીકારવામાં આવ્યું છે. પ્રદિપસિંહ વાઘેલા વિરૂદ્ધ કોઈ ફરિયાદ કરાઇ નથી. ભાજપના કાર્યાલય પર પ્રતિબંધની વાત પાયાવિહોણી છે. પ્રદિપસિંહ વાઘેલાએ પોતાની ઈચ્છાથી રાજીનામું આપ્યુ છે. પાર્ટી તરીકે અમને કોઈ ફરિયાદ મળી નથી. ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલાએ મહામંત્રી પદથી રાજીનામું આપી દીધુ છે. વાઘેલાએ આ રાજીનામું થોડા દિવસ અગાઉ પક્ષને સોંપ્યુ હોવાનું પણ હવે સ્પષ્ટતા થઈ ચૂકી છે. જો કે વાઘેલા પાસેથી રાજીનામું લેવાયું હોવાની અને તેમને કમલમમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવાની ચર્ચા પ્રાથમિક રીતે પાયાવિહોણી છે. પ્રદિપસિંહે રાજીનામું અંગતકારણોસર આપ્યું હોવાનું સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે.