(Source: ECI/ABP News/ABP Majha)
સ્ટેચ્યુ ઓફ યુનિટી આવેલું છે એ કેવડિયાનું નામ બદલીને શું કરાયું ? જાણો મહત્વના સમાચાર
સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલી છે તે નર્મદા જિલ્લાના કેવડીયા નગરનું નવું નામ એકતા નગર કરાયું છે.
ગાંધીનગરઃ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જ્યાં આવેલી છે તે નર્મદા જિલ્લાના કેવડીયા નગરનું નવું નામ એકતા નગર કરાયું છે. નવનિર્મિત કેવડિયા રેલવે સ્ટેશન પર એકતા નગરનું બોર્ડ લગાવવામાં આવતાં હવે કેવડિયાને નવું નામ મળ્યું છે.
વર્ષોથી ગુજરાત રાજ્યના નર્મદા જિલ્લામાં આવેલું કેવડિયા ગામ નજીકમા બંધાયેલા નર્મદા બંધના નામે ઓળખાતું હતું. હવે નર્મદા જિલ્લાના નકશામાં કેવડિયા નગરનું અંકિત નામ બદલીને એકતા નગર રાખવાનું સરકારે નક્કી કર્યું છે અને તેની તૈયારીઓ શરૂ થઇ ગઈ છે. કેમકે
કેવડિયા ખાતે 31 ઓક્ટોબર 2018 ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પહેલાં સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવતા પ્રવાસીઓ સડક માર્ગે કેવડિયા સુધી પહોંચતા હતા. 17 જાન્યુઆરી 2021 ના રોજ કેવડિયા ખાતે દેશના પ્રથમ ગ્રીન રેલ્વે સ્ટેશનનું લોકાર્પણ પ્રધાનમંત્રી ના હસ્તે કરવામાં આવ્યું હતું. સ્ટેશનનું નામ તે સમયે કેવડિયા જંકશન આપવામાં આવ્યું હતું. હવે તેનું નામ બદલીને એકતા નગર કરાશે કેમ કે દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતીક છે.
કેવડિયાનો વિકાસ પ્રવાસન સ્થળ તરીકે થઇ રહ્યો છે. કેવડિયા ખાતે જેટલા પણ પ્રોજેક્ટ છે તેમનાં તમામનાં નામ એકતા રાખવામાં આવ્યા છે. એકતા ગેટ, એકતા મોલ, એકતા નર્સરી, એકતા ઓડિટોરિયમ, યુનિટી ગ્લો ગાર્ડન સહિતના પ્રોજેક્ટના નામો એકતા ઉપરથી રાખ્યા હોવાથી નગરનું નામ પણ એકતા નગર કરવામાં આવશે. તેની શરૂઆત રેલવે વિભાગે કરી દીધી છે અને કેવડિયા સ્ટેશનનું બોર્ડ હટાવી એકતા નગર કરવામાં આવ્યું છે. હજું સત્તાવાર જાહેરાત બાકી છે.
આ બાબતે રેલવે વિભાગના આધિકારીઓ જણાવી રહ્યા છે કે, વડી કચેરીના આદેશ પ્રમાણે અમે આ નામ બદલીને એકતા નગર રાખ્યું છે અને બોર્ડ લગાવ્યું છે.