ખેડા જિલ્લાના આ ગામમાં અનુસુચિત જાતિના પરિવારને મંદિરમાં ન અપાયો પ્રવેશ, ફરિયાદ દાખલ
ખેડા જિલ્લાના ગોબલજ ગામમાં બળિયાદેવના મંદિરમાં અનુસૂચિત જાતિના પરિવારને પ્રવેશવા ન દેવાયાનો આરોપ લાગ્યો છે. પોલીસે આ કેસમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે.
ખેડાઃ ખેડા જિલ્લાના ગોબલજ ગામમાં બળિયાદેવના મંદિરમાં અનુસૂચિત જાતિના પરિવારને પ્રવેશવા ન દેવાયાનો આરોપ લાગ્યો છે. પોલીસે આ કેસમાં 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે. આ ઘટના 24 એપ્રિલના રોજ બની હતી. ગામમાં રહેતા અનુસુચિત જાતિના પરિવારે બાધા રાખી હોવાના કારણે બળિયાદેવ મંદિરમાં દર્શન કરવા ગયા હતા તે દરમિયાન આ વાત ગામના અન્ય જ્ઞાતિના લોકોને પસંદ આવી નહોતી.
જેના કારણે રાતના સમયે જ અનુસૂચિત જાતિના પરિવારને બોલાવવામાં આવ્યો અને ધમકી આપવામાં આવી હતી કે હવે પછી જો તેઓ મંદિરમાં પ્રવેશ્યા તો માર મારવામાં આવશે. ભોગ બનનાર પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે 4 શખ્શો સામે એટ્રોસિટી એક્ટ સહિત વિવિધ કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
પોલીસ ફરિયાદ થતાં જ ચારેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા જો કે, બાદમાં ચારેયને પકડી જેલ હવાલે કરાયા હતા. હાલમાં ગામના બળિયાદેવ મંદિરને તાળા મારી દેવાયા છે. તો ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો છે.
વાવઃ બનાસકાંઠાના વાવમાં પ્રેમીએ કરી પ્રેમિકાની હત્યા, જાણો કારણ?
વાવઃ બનાસકાંઠાના વાવના પ્રતાપપુરા નજીક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કર્યાની ઘટના બનતા ચકચાર મચી ગઇ છે. મળતી જાણકારી અનુસાર બનાસકાંઠાના વાવના પ્રતાપપુરા નજીક પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી દીધી હતી. હત્યા કર્યા બાદ પ્રેમીએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકના લગ્ન નજીક આવતા પ્રેમિકા સાથે મોતને વ્હાલું કરવા ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રેમિકાની હત્યા કર્યા બાદ ઈજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અર્થે થરાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાની જાણ થતા વાવ પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
બનાસકાંઠાઃ ડીસામાં મૂક બધિર બાળકીનો રેપ કરી હત્યા કરનાર નરાધમને કોર્ટે ફાંસીની સજા આપી
ડીસાઃ ડીસામાં દોઢ વર્ષ અગાઉ મૂક બધીર બાળકી ઉપર દુષ્કર્મ કર્યા બાદ તેની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. મૂક બધીર બાળકી ઉપર તેના જ ફોઈના દીકરાએ દુષ્કર્મ આચરી તેનું ગળું કાપીને નિર્મમ હત્યા કરી હતી. આ ઘટના બાદ પોલીસે આરોપી નીતિન માળીને ઝડપી પાડ્યો હતો. ત્યાર બાદ આજે ડીસા કોર્ટમાં કેસની સુનાવણી કરવામાં આવી હતી જ્યાં જજે આરોપી નીતિન માળીને ફાંસીની સજા ફટકારી હતી.