કોરોનાના દર્દીએ સીટી સ્કેન ક્યારે કરાવવું ? કોરોના થયો છે કે નહીં તેની ખબર સીટી સ્કેન પરથી પડેકે નહીં ? જાણો મહત્વની વિગત
કોરોના પોઝિટિવ છે કે કેમ એ RT-PCR ટેસ્ટ પરથી જ સ્પષ્ટ થાય છે અને એમાં પણ કેવા સ્ટેજ પર છે એ પણ સ્કોર વેલ્યુ પરથી જાણી શકાય છે.
અમદાવાદઃ રાજ્યમાં કોરોનાનું સંક્રમણ (Gujarat Corona Cases) બુલેટ ગતિએ વધી રહ્યું છે.દરરોજ રેકોર્ડબ્રેક કોરોનાના કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યમાં ઘણી જગ્યાએ લોકોએ સ્વૈચ્છિક લોકડાઉન (Self Lockdown) લગાવ્યું છે. કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે sતમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેન ના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.
કોરોના પોઝિટિવનાં લક્ષણો ન હોવા છતાં આજે લોકો CT સ્કેન કરાવવા દોડધામ કરે છે. એમાં જો ફેફસાંમાં ઇન્ફેકશન જણાય તો તેઓ RT-PCR ટેસ્ટ અને બ્લડ ટેસ્ટ કરાવવા જાય છે. કોરોના દર્દીએ સીટી સ્કેન કયારે કરાવવું, આરટી-પીસીઆર ટેસ્ટમાં સીટી વેલ્યુ સ્કોર શું છે તેવી મહત્વપૂર્ણ વિગતો કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો. વી.એન.શાહે ગુજરાતના જાણીતા દૈનિકને આપી હતી.
કોવિડ ટાસ્કફોર્સના સભ્ય ડો. વી.એન. શાહે જણાવ્યું હતું કે કોરોના થયો છે કે નહીં એ RT-PCR ટેસ્ટ પરથી જ નક્કી થાય છે. કોરોના શરીરમાં કેટલો ફેલાયો છે એની અસર અને ગંભીરતા જાણવા માટે જ CT સ્કેન કરવામાં આવે છે. અત્યારે લોકો CT સ્કેન કરાવવા માટે દોડે છે, એનું કારણ RT-PCR ટેસ્ટના રિઝલ્ટમાં 3થી 5 દિવસ લાગે છે ત્યાં સુધી કોરોના અંગે જાણકારી નથી મળતી. કોરોના ફેફસાંમાં ફેલાઈ ગયો હોય છે અને એ વધી ગયો હોય, જેથી કોરોના હોવાની જાણકારી મળી જ જાય છે. જોકે એની ગંભીરતા એના પરથી જણાય છે. કોરોના પોઝિટિવ છે કે કેમ એ RT-PCR ટેસ્ટ પરથી જ સ્પષ્ટ થાય છે અને એમાં પણ કેવા સ્ટેજ પર છે એ પણ સ્કોર વેલ્યુ પરથી જાણી શકાય છે.
કોઈપણ વ્યક્તિને જ્યારે કોરોનાનાં લક્ષણો દેખાય ત્યારે પહેલા રેપિડ એન્ટિજન ટેસ્ટ કરાવે છે, જેમાં ક્યારેક પોઝિટિવ અને નેગેટિવ રિપોર્ટ આવે છે. જો નેગેટિવ આવે અને કોરોનાનાં લક્ષણો હોય તો RT-PCR ટેસ્ટ કરાવવામાં આવે છે, જેમાં 70 ટકા પોઝિટિવ અને 30 ટકા નેગેટિવની માહિતી મળે છે. RT-PCR ટેસ્ટ રિપોર્ટમાં CT વેલ્યુ સ્કોર આવે છે, જેમાં 1થી 35માં સ્કોર હોય તો પોઝિટિવ ગણવામાં આવે છે, જ્યારે 35થી ઉપર હોય તો નેગેટિવ રિપોર્ટ હોય છે. RT-PCR ટેસ્ટના CT વેલ્યુ સ્કોરમાં 1થી 15નો સ્કોર હોય તો કોરોના ગંભીર પરિસ્થિતિમાં છે, 15થી 25 સ્કોર હોય તો મધ્યમ અને 25થી 35માં હોય તો કોરોના સામાન્ય છે. આ વેલ્યુ સ્કોરના આધારે RT-PCR ટેસ્ટમાં કોરોના હોવા અંગે સ્પષ્ટતા થઈ જાય છે.
CT સ્કેન કરાવવાની જરૂર ક્યારે પડે છે એ અંગે તેમણે જણાવ્યું હતું કે જ્યારે કોઈ વ્યક્તિને શ્વાસ ચઢે, ખાંસી વધુ આવે અને ઓક્સિજન સર્ક્યુલેશનમાં તકલીફ થાય ત્યારે CT સ્કેન કરાવવામાં આવે છે. ફેફસાંમાં ઇન્ફેક્શન અને કોરોનાની ગંભીરતા વિશે જાણવા મળે છે. CT સ્કેનમાં 0થી 25નો સ્કોર હોય છે અને રિપોર્ટમાં જેટલી સ્કોર વેલ્યુ વધારે એટલું જ ઇન્ફેક્શન વધુ હોય છે. કોરોના પોઝિટિવ દર્દી હોય, પરંતુ સ્કોર વેલ્યુ 0/25 આવે તો કોઈ જ તકલીફ નથી. જો સ્કોર 25/25 આવે તો ફેફસાંમાં ઇન્ફેક્શન ખૂબ જ ફેલાઈ ગયું છે અને દર્દી સિરિયસ છે. કોરોનાના દર્દીને આ બીમારીની કેટલી અસર છે એની જાણકારી આ CT સ્કેન પરથી ખબર પડે છે. ગાઈડલાઈન્સ મુજબ, જો કોરોનાની સારવાર કરવાની હોય તો RT-PCR ટેસ્ટ પરથી જ સારવાર નક્કી થાય છે.
ગુજરાતમાં શું છે કોરોનાનું ચિત્ર
શુક્રવારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યાર સુધીના સૌથી વધુ 8920 નવા કેસ નોંધાયા હતા અને 94 લોકોનાં મૃત્યુ થયા હતા. કોરોનાથી કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચી ગયો છે. રાજ્યમાં શુક્રવારે 3387 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેની સાથે અત્યાર સુધી 3,29,781 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 49 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 49737 પર પહોંચ્યો છે. જેમાંથી 283 લોકો વેન્ટિલેટર પર અને 49454 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 85.73 ટકા છે. રાજ્યમાં કુલ મૃત્યુઆંક 5170 પર પહોંચ્યો છે.