Crime News: ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી મર્ડર મિસ્ટ્રી, પ્રેમિકાને પામવા યુવકે ખેલ્યો ખતરનાક ખેલ
Crime News: કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટના બની હતી
Crime News: કચ્છના ભચાઉમાં ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી હત્યાની ઘટના બની હતી. એક વૃદ્ધાની હત્યામાં થયેલા ખુલાસાથી કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, ત્રણ દિવસ પહેલા પોતાના ઘરેથી ગુમ થયેલા 87 વર્ષીય વૃદ્ધાની હત્યા મામલે ચોંકાવનારો ખુલાસો થયો છે. વોંધડા ગામના સરપંચના પુત્રને એક યુવતી સાથે લગ્ન કરવા હતા. પરંતુ પોતાના કુંટુબની જ યુવતી હોવાના કારણે તેની સાથે લગ્ન શક્ય નહોતા. જેથી બંનેએ સાથે મળીને એક ખતરનાક યોજના બનાવી હતી. પ્રેમિકાને મૃત જાહેર કરી તેની સાથે ભાગીને લગ્ન કરવાનો આરોપી યુવકે પ્લાન બનાવ્યો હતો. આ માટે આરોપીએ સૌ પ્રથમ કબ્રસ્તાનમાંથી હાડકાની શોધખોળ કરી હતી. પરંતુ ત્યાંથી હાડકા હાથ ના લાગતા યુવક અને યુવકીએ ભચાઉમાં એક વૃદ્ધની હત્યાની યોજના બનાવી અને તેને પ્રેમિકાની લાશ સાબિત કરી લગ્ન કરવાનો પ્લાન હતો. પરંતુ આરોપી વૃદ્ધાની લાશને સળગાવે તે પહેલા જ સમગ્ર કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. પોલીસે વોંધડાના સરપંચના પુત્ર અને તેની પ્રેમિકાની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી.
વૃદ્ધ મહિલાની ઠંડા કલેજે હત્યા કરી નાંખનાર ભચાઉના વોંધડા ગામના પ્રેમી પંખીડાએ હત્યા કર્યાની કબૂલાત કરી હતી. હત્યા કરનાર ઝડપાયેલ યુવક રાજુ ગણેશ છાંગા તથા રાધીકા વેરશી છાંગા કૌટુબિંક સગા થાય છે પરંતુ બન્ને એકબીજાના પ્રેમમાં હતા અને લગ્ન કરવા માંગતા હતા. જો તેઓ ભાગી જાય તો તેમના પરિવારજનો તેમને શોધી લે છે તેથી યુવક-યુવતીએ સાથે મળી યુવતી મરી જાય તેવુ સાબિત કરવા આ સમગ્ર પ્લાન ઘડ્યો હતો. તેથી ભચાઉના માંડવી વિસ્તારમાં જેઠીબેન એકલા રહેતા હતા. જેથી તેમની હત્યા કરી તેમની લાશને બાળી યુવતી તરીકે ખપાવી ભાગી જવાનો પ્લાન બનાવ્યો પરંતુ જે દુકાનમાં લાશ રાખી હતી ત્યાની ખબર પોલીસને પડતા આખો પ્લાન નિષ્ફળ થઇ ગયો હતો. પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.
વાસ્તવમાં પૂર્વ કચ્છના ભચાઉના માંડવીવાસ વિસ્તારમાં એકલા રહેતા વૃદ્ધ મહિલા ભેદી રીતે ગુમ થયા હતા. તેમના પડોસમાં રહેતા ધરમસી સતરાએ આ અંગે પોલીસને જાણ કરી હતી અને ત્યારથી જ પોલીસે તપાસ શરૂ કરી દીધી હતી. તપાસ દરમિયાન જ વૃદ્ધના ઘર નજીકના સી.સી.ટી.વીમાં શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી હતી જેમાં એક અજાણ્યો શખ્સ બેગને ઢસડીને લઇ જતો કેદ થયો હતો. પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી હતી. જેથી પોલીસને 80 વર્ષીય વૃદ્ધાનો મૃતદેહ ભચાઉની એક બંધ દુકાનમાં સુટકેસમાંથી મળી આવ્યો હતો જે બાદ તપાસ કરી પોલીસે ગણતરીની કલાકોમાં હત્યા કરનાર પ્રેમી પંખીડાને ઝડપી પાડ્યા હતા.
પોલીસે તપાસમાં 2200 કલાકના 170 થી વધુ સી.સી.ટી.વી રેકોર્ડીંગ તપાસ્યા હતા. પોલીસે આ કેસ ઉકેલવા માટે 10 ટીમ બનાવી બનાવનો ભેદ ઉકેલ્યો હતો. બન્ને આરોપીઓ સામે ઇ.પી.કો કલમ 302, 457 મુજબનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. અગાઉ પણ સમઢીયાળી કબ્રસ્તાનમાંથી કબર ખોદી લાશને લાવવાનો પ્રયાસ કરાયો હતો.