(Source: ECI/ABP News/ABP Majha)
Kutch : નર્મદા કેનાલમાં પાણી છોડ્યાંના 24 કલાકમાં જ બે મોટા ગાબડાં પડયા, લાખો લીટર પાણી વહી ગયું
Kutch News : નર્મદા કેનાલમાં જ્યાં ગાબડાં પડયા ત્યાં સિમેન્ટ કોન્ક્રીટનું કામ જ નથી થયુ,માટીનું પુરાણ કર્યું હોવાના આક્ષેપ થઇ રહ્યાં છે.
Kutch : કચ્છની સૂકીધરતી પર નર્મદાના નીર પહોંચે તેવા રાજ્ય સરકાર દ્વારા પૂરતા પ્રયાસો કરવામાં આવે છે. જે અંતર્ગત 6 જુલાઇના રોજ કચ્છ નર્મદા કેનાલમાં નર્મદાના નીરના વધામણા થયા હતા. ઢોલ નગારાના નાદ સાથે ગ્રામજનોએ હર્ષોલ્લાસભેર નર્મદાના નીરને વધાવ્યુ હતું. પરંતુ ગ્રામજનોનો આ ઉંમગ વધુ ન ટક્યો. માત્ર 24 કલાકમાં જ નર્મદા કેનાલમાં મસમોટા બે ગાબડા પડી ગયા.
ગાબડાંમાંથી નીકળેલા પાણી ખેતરોમાં ફરી વળ્યાં
હજી તો 6 તારીખના રોજ કેનાલમાં નર્મદાના નીરના ખેડૂતોએ વધામણા કર્યા હતા અને આજે આ પાણી ખેડૂતો માટે આફતરૂપ સાબિત થયું. કારણ કે કેનાલમાં મસમોટું ગાબડુ પડતા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચે તેવી ભીતિ સેવાઇ છે. ખેતરોમાં પાણી ઘુસતા ખેડૂતોને મુશ્કેલીમાં વધારો થયો છે.
નવ નિર્માણ પામેલી ક્ચ્છ નર્મદા બ્રાન્ચ કેનાલમાં 20 થી 30 ફૂટ લંબાઈ નો મસમોટો ગાબડું પડ્યું હતું જેથી નર્મદાના નીર કેનાલની આસપાસ આવેલા ખેતરોમાં ફરી વળતા ખેડૂતોને ભારે નુકશાન વેઠવું પડ્યું હતું.
એક તરફ કેનાલમાં પાણી આવતા ખેડૂતોમાં હરખ સમાતો ન હતો, સિંચાઇ માટે હવે પાણીની કોઇ ચિંતા નહી રહે તેવી ખેડૂતોને આશા હતી પરંતુ 24 કલાકમાં જ તેઓની આશા પર ભ્રષ્ટાચાર રૂપી ગાબડાએ પાણી ફેરવી દીધુ. બીદ઼ડા ગામે નર્મદા કેનાલમાં મોટા મોટા બે ગાબડા પડ્યા.
ભ્રષ્ટાચારના કારણે કેનાલમાં ગાબડું પડ્યું
એબીપી અસ્મિતા ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટમાં અહીં જોવા મળ્યુ કે કેનાલની નીચેની બાજુ માત્ર માટીનું જ પુરાણ કરવામાં આવ્યું છે. સિમેન્ટ કે કોંક્રિટનું કોઇ કામ જ કરવામાં આવ્યું નથી. પરિણામે ઓછી માત્રામાં પણ પાણી છોડાતા બીદડાના ભાનાતર વાડી વિસ્તારમાં મસમોટા બે ગાબડા પડ્યા હતા. અને હજુ તો ધીરે ધીરે માટીના થર ખસી રહ્યા છે એટલે હજી પણ મોટુ ગાબડુ પડે તેવી ભીતિ સેવાઇ છે.
કેનાલના કામમાં મોટા પાયે ગેરરીતિના આક્ષેપો
અહીં સવાલ એ થાય કે હજી તો ટેસ્ટિંગ માટે પાણી છોડ્યુ છે તો પણ મસમોટા બે ગાબડા પડી ગયા ત્યારે હવે જો પુરતા પ્રમાણમાં પુરજોશથી પાણી છોડવામાં આવે તો ખબર નહીં સ્થિતિ કેવી હોત ? એક તરફ રાજ્ય સરકાર દ્વારા નર્મદાના નીર છેવાડાના ગામ સુધી પહોંચે તેવા પ્રયાસ કરવામાં આવે છે પંરતુ કેનાલના કામોમાં ભ્રષ્ટાચારને કારણે પાણી ખેડૂતો સુધી પહોંચતુ નથી.કરોડોના ખર્ચે કેનાલોનું બાંધકામ કરવામાં આવે છે પરંતુ અહીં તો કો્ન્ટ્રાક્ટરોને માત્ર મલાઇ ખાવામાં જ રસ હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલા ક્યારે ભરાશે, ક્યાં સુધી આવા કટકીખોર કોન્ટ્રાક્ટરોની મનમાની ચલાવી લેવાશે?
નબળી ગુણવત્તાની કામગીરી કરવા છતાં પણ કોન્ટ્રાક્ટરોને કેમ છાવરવામાં આવે છે. શું ટેન્ડર પાસ થયા પછી કામની ગુણવત્તા ચેક કરવામાં આવતી નથી ? આખરે ક્યાં સુધી કેનાલોમાં ભ્રષ્ટાચારના ગાબડા પડતા રહેશે અને તાત પરેશાન થતો રહેશે ?