Gujarat Rain: આગામી 3 દિવસ કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ એલર્ટ, જાણો શું છે આગાહી
ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસું સત્તાવાર રીતે વિદાય લેવાની તૈયારીમાં છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 દિવસ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છ અને ગુજરાત રિજનમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હાલ રાજ્યમાં મોનસુન ટ્રફ સક્રિય હોવાના કારણે દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. આ સમય દરમિયાન પવનની ગતિ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. જોકે અત્યાર સુધી રાજ્યમાં 29% જેટલો વધુ વરસાદ નોંધાયો છે.
આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. છેલ્લા ઘણા દિવસોથી વરસાદમાં રાહત જોવા મળી રહી છે. જોકે, આ રાહત ફક્ત થોડા સમય પૂરતી જ રહેશે. કારણ કે, હવામાન વિભાગે ફરી નવી આગાહી કરી છે. રાજ્યના અમુક ભાગોમાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.
રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાય શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ ઉત્તર ભાગમાંથી ચોમાસું વિદાય લઈ રહ્યું છે. પરંતુ કેટલાક ભાગોમાં હજુ પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગામી નવરાત્રિના તહેવાર દરમિયાન પણ હળવા વરસાદની શક્યતા રહેલી છે, જે ખેલૈયાઓની મજા બગાડી શકે છે.
દક્ષિણ ગુજરાતમાં સક્રિય ચોમાસાને કારણે ભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારોમાં યલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે વલસાડ, નવસારી, તાપી, ડાંગ, દમણ અને દાદરા અને નગર હવેલીનો સમાવેશ થાય છે. અહીંના વાતાવરણમાં અસ્થિરતાને કારણે છૂટાછવાયા વિસ્તારોમાં જોરદાર વરસાદ જોવા મળી શકે છે.
બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાતમાં પણ 17 સુપ્ટેમ્બર બાદ વરસાદ લાવે તેવી શકયતાં છે. બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ આકાર લેતાં ફરી ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન છે. આ સિસ્ટમના કારણે ખાસ કરી દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ વરસશે. મેઘરાજાએ રાજ્યમાં જોરદાર બેટિંગ કર્યા બાદ હાલ મોટાભાગના વિસ્તારમાં વરસાદે લગભગ વિરામ લીધો છે.
ગુજરાતમાં 108 ટકા કરતાં વધારે વરસાદ
કચ્છ જિલ્લામાં સૌથી વધારે 136 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશની તુલનામાં 119 ટકા વરસાદ થયો છે. પૂર્વ મધ્ય ગુજરાતમાં 110 ટકાથી વધારે અને દક્ષિણ ગુજરાતમાં 111 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લી સ્થિતિ મુજબ સૌરાષ્ટ્રમાં લગભગ 94 ટકા વરસાદ પડ્યો છે. સૌરાષ્ટ્રમાં હજુ સુધી વરસાદની ઘટ છે.





















