Lok Sabha: ભાજપના ભીખાજી ઠાકોરે અચાનક કેમ છોડી સાબરકાંઠા બેઠક, મીડિયા સમક્ષ કર્યો ખુલાસો
ગઇકાલે વડોદરાના રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ભીખાજી ઠાકોરે અચાનક ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી
![Lok Sabha: ભાજપના ભીખાજી ઠાકોરે અચાનક કેમ છોડી સાબરકાંઠા બેઠક, મીડિયા સમક્ષ કર્યો ખુલાસો Lok Sabha Election: Why Bhikhaji Thakor left accidentally Sabarkantha Lok Sabha Seat, disclosed him self in front of Media News Lok Sabha: ભાજપના ભીખાજી ઠાકોરે અચાનક કેમ છોડી સાબરકાંઠા બેઠક, મીડિયા સમક્ષ કર્યો ખુલાસો](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/24/be47fc611331f2321c363e6ad48cd35c171126220326277_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Lok Sabha Election: ગુજરાતમાં અત્યારે ચૂંટણી જંગ જામ્યો છે, રાજકીય પક્ષો એકબીજા પર આક્ષેપો અને રણનીતિથી કામ કરી રહ્યાં છે, ગઇકાલે ભાજપમાં એક જ દિવસમાં ડબલ ટ્વીસ્ટે ફરી એકવાર રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ કરાવી દીધી છે. ગઇકાલે ભાજપના બે ઉમેદવારો વડોદરાથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાથી ભીખાજી ઠાકોરે અચાનક લોકસભાની ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી, આ વાત તેમને સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા કરી હતી. સમગ્ર દિવસ દરમિયાન ભાજપના ઉમેદવારોની ચર્ચાએ જોર પકડ્યુ પરંતુ બાદમાં સાબરકાંઠાના ઉમેદવાર ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ આવીને મોટો ચોંકાવનારો ખુલાસો કર્યો, તેમને અચાનક પાછી પાણી કરવા પાછળનું ચોખ્ખુ કારણ જણાવ્યુ હતુ.
ગઇકાલે વડોદરાના રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠાના ભીખાજી ઠાકોરે અચાનક ભાજપની ટિકીટ પરથી ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી. પછી હવે ભીખાજી ઠાકોરે ઉમેદવારી પાછી ખેંચવાની વાતને લઇને મોટો ખુલાસો મીડિયા સમક્ષ કર્યો હતો, તેમને મીડિયા સામે કબુલાત કરી હતી કે, તેમને પોતાની ઇચ્છાથી નહીં પરંતુ ભાજપ પક્ષની સૂચના મુજબ જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણી પ્રચાર રોકવા પક્ષમાંથી સૂચના આવી હોવાની ભીખાજીએ કબુલાત કરી હતી.
ભીખાજી ઠાકોરે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે, ચૂંટણી નહીં લડવાના નિર્ણયથી દુઃખી છું. સ્વચ્છ પ્રતિભા, વિસ્તારમાં કરેલી કામગીરી જોઈ પક્ષે મોકો આપ્યો હતો. પરંતુ કેટલાક લોકોની હેરાનગતિથી આ નિર્ણય લેવાયો હોવાનું તારણ આપ્યુ હતુ. તેમને કહ્યું કે, મારો કોઇ ગૉડફાધર ના હોવા છતા મેં રાજકીય ઓળખ બનાવી છે.
ભાજપ વધુ બે બેઠકો પર ઉમેદવારો બદલશે ? વડોદરા-સાબરકાંઠા બાદ ચર્ચા
ગુજરાતમાં ભાજપ પક્ષ પોતાની તમામ બેઠકો માટે ઉમેદવારો નક્કી કરે તે પહેલા આજે સવારે ડબલ ટ્વીસ્ટ્સ આવ્યુ છે. રાજ્યમાં બે વિવાદિત બેઠકો - વડોદરા અને સાબરકાંઠા પરના ઉમેદવારોએ ચૂંટણી લડવાનો ઇનકાર કરી દીધો છે. વડોદરા લોકસભા બેઠક પરથી રંજનબેન ભટ્ટ અને સાબરકાંઠા બેઠક પરથી ભીખાજી ઠાકોર સોશ્યલ મીડિયા પૉસ્ટ શેર કરીને ચૂંટણી લડવાનો ઇન્કાર કરી દીધો છે.
ગુજરાત ભાજપમાં અત્યારે ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઇ છે, આજે સવારે ભાજપના વડોદરા બેઠક અને સાબરકાંઠા બેઠક પરથી ઉમેદવારોએ ના પાડી દીધી છે. સોશ્યલ મીડિયા પૉસ્ટ દ્વારા ના પાડ્યા બાદ હવે રાજ્યમાં ભાજપના વધુ બે ઉમેદવારો પણ લાઇનમાં હોવાની ચર્ચાઓ છે. હાલમાં રાજકીય વર્તુળો અને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે કે, ગુજરાતમાં વધુ બે ઉમેદવારો ભાજપ બદલી શકે છે. ચર્ચા છે કે, બનાસકાંઠા અને આણંદના ઉમેદવારો ભાજપ બદલી શકે છે.
ભાજપે બનાસકાંઠા લોકસભા બેઠક પથી ડૉ.રેખાબેન ચૌધરી અને આણંદ બેઠક પરથી મિતેશ પટેલ લોકસભાની ટિકીટ આપી છે. જોકે, સુત્રો અનુસાર, બન્ને ઉમેદવારો કોંગ્રેસ સામે નબળા સાબિત થઇ શકે છે, કેમ કે બનાસકાંઠામાં કોંગ્રેસે દમદાર નેતા ગેનીબેન ઠાકોરને ટિકીટ આપી છે, તો વળી, આણંદ બેઠક પરથી કોંગ્રેસે દિગ્ગજ નેતા અમિત ચાવડાને ટિકીટ આપી છે. આ બન્ને નેતાઓ સામે ભાજપના ઉમેદવારો નબળા પડી રહ્યાં હોવાની પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે.
આણંદ બેઠક - કોણ છે મિતેષ પટેલ ?
આણંદ લોકસભા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ સાંસદ મિતેષ પટેલ પર પુનઃ વિશ્વાસ મૂકીને આગામી લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે. મિતેશભાઈ પટેલ કે જેઓ “બકાભાઈ” ના હુલામણા નામથી ઓળખાય છે, તેમનો જન્મ 27 મી ઓગસ્ટ, 1965ના રોજ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓએ બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનીયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.) માં ડિપ્લોમા કર્યું છે. તેઓ નાનપણથી જ ભાજપ સાથે જોડાયાં હતાં અને રાજકારણમાં સતત સક્રિય છે. આગવી રાજકીય સુઝબુઝ ધરાવતાં મિતેશભાઈ ઉપર ગત ટર્મમાં ભાજપે વિશ્વાસ મુક્યો હતો અને 2019 ની લોકસભા ચૂંટણી માટે આણંદ બેઠકના ઉમેદવાર બનાવ્યાં હતાં. પ્રથમ ચૂંટણીમાં જ મિતેશભાઈ 1,97,718 મતોથી જીત હાંસલ કરી હતી.
બનાસકાંઠા બેઠક - કોણ છે ડૉ. રેખાબેન ચૌધરી ?
ભાજપે આ વખતે બનાસકાંઠાથી રેખાબેન ચૌધરી ટિકિટ આપી છે. રેખાબેન ચૌધરી પાલનપુરના રહેવાસી છે. જેઓએ એમએસસી, એમફિલ અને મેથેમેટિક્સમાં પીએચડીનો અભ્યાસ કર્યો છે. તેઓ એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક પણ રહ્યા છે. રેખાબેન ચૌધરીની ઉંમર 44 વર્ષ છે.
ડૉ. રેખાબેન ચૌધરી ઉચ્ચ અભ્યાસ કર્યા બાદ 20 વર્ષથી એન્જિનિયરિંગ કોલેજમાં અધ્યાપક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓ બનાસ ડેરીના આદ્યસ્થાપક સ્વર્ગીય ગલબાભાઇ નાનજીભાઇ પટેલના પૌત્રી છે. તેઓ મહિલા સશક્તિકરણના કાર્યોમાં સતત સક્રિય રહીને દાદાનો વારસો આગળ વધારી રહ્યા છે. રેખાબેનનો પરિવાર ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલો છે. ડૉ. રેખાબેન ચૌધરી અને તેમના પતિ હિતેશભાઇ ચૌધરી લાંબા સમયથી ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા છે. તેમના પતિ હિતેશભાઇ ચૌધરી હાલ મોરબી જિલ્લાના પ્રભારી છે. આ અગાઉ તેઓ કચ્છ જિલ્લાના પ્રભારી તરીકે ફરજ નિભાવી રહ્યા હતા. આ ઉપરાંત તેઓ બનાસકાંઠા જિલ્લા ભાજપના મહામંત્રી, યુવા મોર્ચામાં ત્રણ ટર્મ સુધી પ્રદેશ તેમજ રાષ્ટ્રીયકક્ષાએ વિવિધ જવાબદારીઓ નિભાવી છે.
ડૉ. હિતેશભાઇ ચૌધરી ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ મેમ્બર અને તથા ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તથા સિન્ડિકેટ મેમ્બર પણ રહી ચુક્યા છે. આ સાથે તેઓ વિદ્યાર્થીકાળ દરમિયાન એબીવીપીમાં સક્રિય કાર્યકર્તા પણ રહ્યા છે. આ સાથે તેઓ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના દ્રીતીય વર્ષ શિક્ષિત સ્વયં સેવક પણ રહી ચુક્યા છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)