Amreli: ભારતીય સેનામાં ફરજ બજાવતો ગુજરાતનો જવાન શહીદ, પાર્થિવ દેહને જોઈ હજારો લોકોની આંખો થઈ ભીની
અમરેલી: 16 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતો ગુજરાતનો જવાન શહિદ થયો છે. આજે તેનો પાર્થિવદેહ ગુજરાત લાવવામાં આવ્યો હતો. હજારો અમરેલીવાસીઓ સદગત શહીદના નિવાસસ્થાને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા.
અમરેલી: 16 વર્ષથી ભારતીય સેનામાં ફરજ બજાવતો ગુજરાતનો જવાન શહિદ થયો છે. આજે તેનો પાર્થિવદેહ ગુજરાત લાવવામાં આવ્યો હતો. આ અંગે વિગતે વાત કરીએ તો, અમરેલી જિલ્લાનો વીર શહીદ મનીષ મહેતા ફરજ કાળ દરમિયાન આસામથી રાજસ્થાન જતી વેળા રેલવેમાં રાખેલા આર્મીના પાણીના ટેન્કરમાં અકસ્માતે શોક લાગતા શહીદ થયો હતો. આજે વીર શહીદનો પાર્થિવ દેહ અમરેલી ખાતે પહોંચતા રાષ્ટ્રપ્રેમીઓ વીર શહીદ મહેતાને પુષ્પાંજલિ અર્પણ કરવા ઉમટી પડ્યા હતા. ભારત માતા કી જય, વંદે માતરમના નારા સાથે સદગત શહીદનો પાર્થિવ દેહ નિવાસ્થાને પહોંચતા શહીદના પરિજનોના હૈયા ફાટ રુદન જોઈને કઠણ હૃદયના કાળજાના માનવીઓના પણ આંખોના ખૂણા ભીના થઈ ગયા હતા.
હજારો અમરેલીવાસીઓ સદગત શહીદના નિવાસસ્થાને પહોંચ્યા
આન બાન અને શાન સાથે વીર શહીદ મનીષ મહેતાનો પાર્થિવદેહ આર્મીની બટાલિયન દ્વારા અમરેલી ખાતે લાવવામાં આવ્યો હતો. અહીં હજારો લોકોએ વીર શહીદના પાર્થિવ દેહને નમન કરી શ્રદ્ધાંજલિ આપી. અમરેલી હનુમાન પરા નિવાસસ્થાન ખાતે પુરા આદર અને રાષ્ટ્ર ધ્વજના પુરા સન્માન સાથે પાર્થિવ દેહ પહોંચ્યો ત્યારે સદગત શહીદને શોકાંજલિ પાઠવા માટે સહકારી ક્ષેત્રના નેતા દિલીપ સંઘાણી, વિધાનસભાના નાયબ દંડક કૌશિક વેકરીયા, અમર ડેરીના ચેરમેન અશ્વિન સાવલિયા, જિલ્લા પંચાયતના શિક્ષણ વિભાગના ચેરમેન વિપુલ દુધાત સહિત હજારો અમરેલીવાસીઓ સદગત શહીદના નિવાસસ્થાને પહોંચ્યા હતા.
મનીષ મહેતા 16 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા
નિવાસસ્થાનની આજુબાજુની અગાસીઓ પણ શહીદના અંતિમ દર્શન માટે આંખો બીછાવીને રાહ જોઈ રહ્યા હતા. વીર શહીદ મનીષ મહેતા 16 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. સદગતના પરિવારમાં બે પુત્ર રત્ન છે. એક દોઢ વર્ષ અને એક સાત વર્ષના પુત્રોએ સદગત વીર શહીદ મનીષ મહેતાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. શહીદના ઘરનું વાતાવરણ રાષ્ટ્રભાવના ઓથી છલકાતું હોય તેમ સદગત શહીદના મોટા ભાઈ શહીદના પાર્થિવ દેહને જોઈને સેલ્યુટ મારી વંદે માતરમ ભારત માતા કી જયના નારાઓ લગાવ્યા હતા. આંખોમાં ભાઈનું વીરગતિનું દુઃખ હતું અને હૃદયમાં રાષ્ટ્રભાવનાઓ પણ છલકાતી જોવા મળી હતી.
અમરેલી વાસીઓની આંખોના ખૂણાઓ ભીના થઈ ગયા
સદગત વીર શહીદના પત્નીએ બે પુત્રો નોંધારા મૂકીને વિલાપ કર્યો હતો. વીર શહીદ મનીષ મહેતાના બહેન પણ ચોધાર આંસુઓએ રડતા જોવા મળ્યા હતા. આર્મીના મેંજર સહિતની પુરી બટાલીયન સદગતના પાર્થિવ દેને અમરેલીને રાજમાર્ગો પર નીકળ્યા ત્યારે લોકોએ પુષ્પો વડે વીર શહીદ મનીષ મહેતાને શ્રદ્ધાંજલિ પાઠવેલ હતી. આર્મીએ રાષ્ટ્રભાવના સાથે સદગતના પાર્થિવ દેહને પુષ્પાંજલિઓ અર્પણ કરી. પોલીસ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વીર શહીદ મનીષ મહેતાને આન બાન અને શાન સાથે આર્મીની પરંપરા અનુસાર સદગત વીર શહીદને સરકારી પ્રોટોકોલ મુજબ સલામી આપીને વીર શહીદના પુત્રોએ શહીદના પાર્થિવદેહને અગ્નિસંસ્કાર કરતા હજારોની સંખ્યામાં આવેલા રાષ્ટ્રપ્રેમી અમરેલી વાસીઓની આંખોના ખૂણાઓ ભીના થઈ ગયા હતા.