Gujarat Rain: ગુજરાત પર હજુ માવઠાનું સંકટ, જાણો વરસાદને લઈ હવામાન વિભાગે શું કરી આગાહી ?
ગુજરાત પર હજુ માવઠાનું સંકટ છે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે છૂટોછવાયો વરસાદ વરસશે.
અમદાવાદ: ગુજરાત પર હજુ માવઠાનું સંકટ છે. હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે છૂટોછવાયો વરસાદ વરસશે. આજે અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, તાપી, નર્મદા અને છોટાઉદેપુર જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. આવતીકાલે સુરત, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.
રાજસ્થાન દક્ષિણ પૂર્વ પર એક હવાનું દબાણ બની રહ્યું છે. જેના કારણે પણ ગુજરાતમા વાદળછાયું વાતાવરણ સર્જાઇ રહ્યું છે. ઠંડીની વાત કરીએ તો બેથી ત્રણ ડિગ્રી તાપમાનનો પારો ગગડતા આંશિક ઠંડીનું જોર વધશે.
મિચોંગ વાવાઝોડાનું સંકટ
દક્ષિણ ભારત પર મિચોંગ વાવાઝોડાનું સંકટ છે. જો કે હવામાન વિભાગના અનુમાન મુજબ મિંચોગ વાવાઝોડાની ગુજરાત પર કોઇ અસરની શક્યા નથી. જો કે મિચોંગ ના કારણ માત્ર પવનની દિશા બદલાશે. પવન ગતિ 15 થી 20કિલોમીટરની રહી શકે છે. બીજી તરફ ચક્રવાત મિચોંગ પશ્ચિમ મધ્ય બંગાળની ખાડી, દક્ષિણ આંધ્ર પ્રદેશ અને ઉત્તર તમિલનાડુમાં ત્રાટકે તેવી શક્યતા છે. આ સંભાવનાને ધ્યાનમાં રાખીને, પુડુચેરીના જિલ્લા મેજિસ્ટ્રેટે દરિયાઈ વિસ્તારોની આસપાસ કલમ 144 લાગુ કરી છે.
વાવાઝોડુ મિચોંગ જે આવતીકાલે તમિલનાડુના કાંઠે ટકરાય તે પહેલા જ તેણે તબાહી મચાવવાની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ આંધ્રપ્રદેશમાં દસ્તક દેતા પહેલાં મિચોંગ વાવાઝોડું ઉત્તર તમિલનાડુના કિનારે તબાહી મચાવી શકે છે. જોકે તેના આગમનની અસર છેલ્લા બે ત્રણ દિવસથી જોવા મળી રહી છે. તમિલનાડુમાં કેટલાક વિસ્તારોમાં તો એવો ભારે વરસાદ પડ્યો કે રન-વે, હાઇવે, રહેણાંક સોસાયટીમાં પાણી જ પાણી થઈ ગયું છે. રન-વે પર પાણી ભરાઈ જતાં અનેક ફ્લાઇટો રદ કરવાની નોબત આવી હતી. આંધ્રપ્રદેશ, તમિલનાડુ અને પુડ્ડુચેરીમાં તટીય વિસ્તારોમાં આકાશમાં કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો છે. અનેક વિસ્તારોમાં ઝડપી પવન સાથે વરસાદ છેલ્લા ત્રણથી ચાર દિવસથી હાહાકાર જેવી સ્થિતિ સર્જી રહ્યો છે.
એવું મનાય છે કે આજે અને આવતીકાલ ખૂબ જ ભારે પસાર થશે. એટલા માટે સરકારે લોકોને સાવચેત રહેવા એલર્ટ જાહેર કરી દીધું છે. વાવાઝોડાની અસરને પગલે ચેન્નઈના તટીય વિસ્તારોમાં ઝડપી પવન ફૂંકાવાની સાથે ભારે વરસાદ વરસી રહ્યો છે. મૂશળધાર વરસાદને લીધે ચેન્નઈ એરપોર્ટના રનવે તથા સબવે પર પાણી જ પાણી થઈ ગયું છે. જેના લીધે ફ્લાઈટો રદ કરવામાં આવી છે.