(Source: ECI/ABP News/ABP Majha)
Model Village: કચ્છનું આ સ્માર્ટ વિલેજ શહેરોનો આપે છે ટક્કર, વિશ્વબેંકના પ્રતિનિધિઓ લઈ ચુક્યા છે મુલાકાત, જાણો શું છે ખાસિયત
આ ગામના મુખ્ય રસ્તાઓ પર દેશની મહાન વિભૂતિઓના સ્ટેચ્યુ મુકવામાં આવેલ છે. શહેર જેવી સુવિધાઓ ગ્રામજનોએ ભીમાસરમાં ઉભી કરી છે.
Model Village: સરહદી જિલ્લા કચ્છનું એક એવું સ્માર્ટ ગામ કે જેની મુલાકાત લેવા દેશ-વિદેશના અનેક મહાનુભાવો લઈ ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ વિલેજની યશસ્વી પરિકલ્પનાને કચ્છનું ભીમાસર ગામ ચરિતાર્થ કરે છે. છેલ્લા બે દાયકાથી મોડેલ ગામ તરીકે પ્રખ્યાત થયેલા ભીમાસરની મુલાકાત નેપાળના પૂર્વ તેમજ અત્યારના વડાપ્રધાન લઈ ચૂક્યા છે, તો બાંગ્લાદેશનું પ્રતિનિધિ મંડળ, વિશ્વ બેંકના પ્રતિનિધિઓ તેમજ ભારતના જુદા-જુદા રાજ્યોના મહાનુભાવો મુલાકાતે આવી ચૂક્યા છે.
ડિજિટલ પંચાયત
ભૂકંપની થપાટથી ભૂ ભેગુ થયેલું ભીમાસર આજે ગર્વીલા વીરલાની જેમ વિકાસની કેડી પર ચાલીને એક આદર્શ ગામ બન્યું છે. શ્રેષ્ઠતમ સુવિધો ધરાવતું સ્માર્ટ વિલેજ ભીમાસર,શહેરને ટક્કર આપે એવી ઉત્તમ સુવિધાઓથી સજ્જ છે. અંદાજે 15,000ની વસ્તી ધરાવતા ભીમાસર ગામમાં દરેકને માટે 8 સમાજભવનો બનાવેલ છે. ગામમાં પાકા રોડ રસ્તા, પાણીની 24 કલાક સુવિધા, સ્ટ્રીટ લાઇટો, ડિજિટલ પંચાયત, સીસીટીવી કેમેરા તેમજ વાઇફાઇની સુવિધા છે.
સૂચના આપવા વિશેષ સાયરન સિસ્ટમ
ભીમાસર ગામમાં સૂચના આપવા માટે વિશેષ સાયરન સિસ્ટમની વ્યવસ્થા ઉભી કરવામાં આવેલ છે. ગ્રામ પંચાયત કચેરીએથી અપાતી લોકપયોગી સૂચના ગામમાં લગાવેલ લાઉડસ્પીકર મારફતે ક્ષણભરમાં ગ્રામ્યજનો સુધી પહોંચી શકે છે. ગામના મુખ્ય રસ્તાઓ પર દેશની મહાન વિભૂતિઓના સ્ટેચ્યુ મુકવામાં આવેલ છે. શહેર જેવી સુવિધાઓ ગ્રામજનોએ ભીમાસરમાં ઉભી કરી છે.
ગામમાં 3 સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર
સ્વચ્છ ભારત અભિયાનનું પ્રતિબિંબ આ ગામમાં છલકાય છે. સફાઈ માટે ડોર ટુ ડોર જઈને કચરો એકઠો કરી તેનો નિકાલ કરવામાં આવે છે. આંખને ગમી જાય એવી સ્વચ્છતા સાથે ગામની સુંદરતામાં વધારો કરે છે ભારતમાતા મંદિર અને સુંદર બગીચો.. ગામમાં આઉટડોર જીમની સાથે રમતગમત માટે સરસ મજાનું મેદાન પણ આવેલું છે. ‘આત્મનિર્ભર મહિલાથી આત્મનિર્ભર ભારત’ના સંકલ્પને ચરિતાર્થ કરવામાં પણ ભીમાસર ગામ અગ્રેસર છે. ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર થકી ગામની મહિલાઓ પગભર બની રહી છે. ગામમાં 3 સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર ચાલે છે જેમાં બહેનોને સીવણ, હેન્ડીક્રાફ્ટ વર્ક, કમ્પ્યૂટર ક્લાસ તેમજ બ્યુટીપાર્લર અંગેની તાલીમ આપવામાં આવે છે. આ તાલીમ થકી ગામની 200 જેટલી મહિલાઓ આર્થિક ઉપાર્જન કરી સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી રહી છે.
સ્માર્ટ ક્લાસરૂમ ધરાવતી શાળા શહેરી શાળાને પણ ટક્કર આપે તેવી
ભીમાસર ગામમાં બેન્ક, પોસ્ટ ઓફિસ, પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાની સાથોસાથ લાઇબ્રેરી પણ છે. જેમાં અખબારો,પુસ્તકો જેવી વિવિધ વાંચન સામગ્રીનો સદુપયોગ ગ્રામજનો કરે છે. સ્માર્ટ ક્લાસરૂમ ધરાવતી શાળા શહેરી શાળાને પણ ટક્કર આપે એવી છે.
ભીમાસર ગામની 108 એમ્બ્યુલન્સ તેમજ પશુઓ માટેની એમ્બ્યુલન્સનો ગ્રામ્યજનોને ઘણો લાભ મળ્યો છે. ગામના ગાયત્રીબેન જણાવે છે કે, "ગામની એમ્બ્યુલન્સની સુવિધા મારા પ્રસુતિના સમયે ખુબ લાભદાયી બની છે. ગામમાં જ આવી સગવડ હોવાથી અડધિ રાત્રે પણ કોઈપણ ઇમરજન્સી માટે સમયસર દવાખાને પહોંચી શકાય છે." આમ, ભીમાસર ગામની શ્રેષ્ઠતમ સુવિધાઓ જનસુખાકારીમાં વધારો કરી રહી છે.
ગૌશાળામાં 1,200 જેટલી ગાયો
"ગ્રીન-ક્લીન ગુજરાત"ના મંત્રને ચરિતાર્થ કરતું ભીમાસર ગામમાં વૃક્ષારોપણ કરવામાં આવે છે તે અંતર્ગત ગામમાં વાર્ષિક 3000થી વધુ વૃક્ષનું રોપણ કરવામાં આવે છે. આમ ભીમાસર ગામમાં પ્રકૃતિના સંવર્ધન સાથે ગ્રીન કવરમાં પણ વધારો થઈ રહ્યો છે. ગામની ગૌશાળામાં 1,200 જેટલી ગાયોની સેવા કરવામાં આવે છે. આમ " જે ગામની ગાયો સુખી, તે ગામ સુખી" પંક્તિને ભીમાસર ગામ સાર્થક કરે છે. ઉપરાંત ગામની ગૌચર જમીનમાં 50 એકરમાં ઘાસચારા માટે પ્લોટ બનાવવામાં આવ્યા છે.
ગામને મળ્યા છે અનેક એવોર્ડ
ભીમાસર ગામના લોકોને ઈ-ગ્રામ સેન્ટર થકી સરકારની તમામ ઉપલબ્ધ સુવિધાઓનો લાભ આપવામાં આવે છે. ભીમાસર ગામના વણથંભ્યા વિકાસને કારણે અનેક એવોર્ડ પણ મળેલ છે. ભીમાસર ગામના સરપંચ જણાવે છે કે, અમારા ગામને રાષ્ટ્રીય અને રાજ્યકક્ષાના ઘણા એવોર્ડ પણ મળ્યાં છે જેમાં સમરસ પંચાયત એવોર્ડ - ગુજરાત સરકાર, નિર્મળ ગ્રામ પુરસ્કાર -ભારત સરકાર, સ્વર્ણિમ ગ્રામ પુરસ્કાર - ભારત સરકાર, શ્રેષ્ઠ ગ્રામ પંચાયત - ગુજરાત સરકાર, મહિલા પાણી સમિતિ એવોર્ડ - ગુજરાત સરકાર, સ્વચ્છ ગ્રામ પુરસ્કાર - ગુજરાત સરકાર, સુશાસન પંચાયત - કચ્છ નવનિમાર્ણ અભિયાન, બેસ્ટ VCE - નાયબ કલેક્ટર અંજાર, 100 ટકા કોવિડ રસીકરણ - ગુજરાત સરકાર, ગુજરાત પોષણ અભિયાન - કચ્છ જિલ્લા પંચાયત, પં. દીનદયાળ પંચાયતીરાજ સશક્તિકરણ રાષ્ટ્રીય એવોર્ડનો સમાવેશ થાય છે.