ગુજરાતમાં 50 ટકાથી વધુ વસ્તીએ લીધી કોરોના રસી, જાણો ક્યા જિલ્લામાં સૌથી વધુ લોકોએ લીધી રસી
રાજ્યમાં અત્યારસુધી 18થી 44ના વયજૂથમાં 1.06 કરોડ, 45-60 વયજૂથમાં 89.97 લાખ, 60થી વધુની વયજૂથમાં 72.05 લાખ વ્યક્તિ કોરોના વેક્સિન લીધી છે.
રાજ્યમાં વેક્સિનેશનની ગતિમા ફરી વધારો થયો છે. રાજ્યની 50 ટકાથી વધુ વસતી હવે કોરોના વેક્સિન લઇ ચૂકી છે. રવિવારે વધુ 2 લાખ 65 હજાર 547 વ્યક્તિએ કોરોના રસી લીધી. વેક્સિન લેવા માટે માન્ય એવી 18થી વધુ વયજૂથની વસતી ગુજરાતમાં 4.89 કરોડ છે. જેની સરખામણીએ અત્યારસુધી 2.68 કરોડ વ્યક્તિ કોરોના વેક્સિનનો ઓછામાં ઓછો એક ડોઝ લઇ ચૂકી છે. આમ, ગુજરાતમાં વેક્સિન લેવા માટે માન્યતા ધરાવતી અડધોઅડધ વ્યક્તિઓએ કોરોનાની રસી લીધી છે.
રાજ્યમાં અત્યારસુધી 18થી 44ના વયજૂથમાં 1.06 કરોડ, 45-60 વયજૂથમાં 89.97 લાખ, 60થી વધુની વયજૂથમાં 72.05 લાખ વ્યક્તિ કોરોના વેક્સિન લીધી છે. અત્યારસુધી 1.22 કરોડ મહિલાઓ સામે 1.45 કરોડ પુરૂષોએ વેક્સિન લીધી છે. રાજ્યમાંથી અમદાવાદ શહેરમાંથી સૌથી વધુ 30.46 લાખ, સુરત શહેરમાંથી 22.44 લાખ, વડોદરા શહેરમાંથી 12.69 લાખ, બનાસકાંઠામાંથી 10.87 લાખ અને મહેસાણામાંથી 9.81 લાખ લોકોએ રસી લીધી છે.
રાજ્યમાં ગઈકાલે કોરોનાના 70 કેસ નોંધાયા છે જ્યારે 2 વ્યક્તિનાં મૃત્યુ થયા છે. રાજ્યમાં આજે 128 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની (Active Cases) સંખ્યા 2467 છે. જે પૈકી 10 દર્દી વેન્ટીલેટર પર છે. રાજ્યમાં એક દિવસમાં 128 દર્દીઓ સ્વસ્થ થયા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં આરોગ્ય વિભાગના સઘન પ્રયાસોના લીધે 8,11,297 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં સાજા થવાનો દર 98.48 ટકા છે. અત્યાર સુધીમાં 2,68,07,725 ડોઝ કોરોના વેક્સીનના (CoronaVaccine) આપવામાં આવ્યા છે. આજે કુલ 2,65,647 વ્યક્તિઓનું રસીકરણ થયું છે.
રાજ્યમાં કોરોના અંકુશમાં આવ્યો છે જે રાહતની વાત છે. રાજ્યમાં 33માથી 17 જિલ્લાઓમાં એક્ટિવ કેસ 15થી નીચે આવી ગયા છે. જેમાંથી 8 જિલ્લાઓમાં 5થી ઓછા, 9મા 15થી ઓછા કેસ છે. ડાંગ જિલ્લામાં એક પણ એક્ટિવ કેસ નથી. ગુજરાતમાં બીજી લહેરનું પીક 30 એપ્રિલે હતું. એ પછી છેલ્લા 65 દિવસથી સતત કેસ ઘટી રહ્યા છે. પહેલી લહેરમાં પીક બાદ 32 દિવસ જ કેસ ઘટ્યા હતા.
રાજ્યમાં અત્યારે કુલ એક્ટિવ કેસ 2 હજાર 467માથી 1 હજાર 849 કેસ એટલે કે 74.94% સાત મહાનગરપાલિકાઓમાં જ છે. કેસ ઝડપથી ઓછા થવા પાછળ રસીકરણ પણ એક કારણ છે. રાજ્યમાં 18+ના રસીકરણ માટે માન્ય 4.93 કરોડ વસતીમાંથી 2.08 કરોડ એટલે કે 42%ને પહેલો ડોઝ મળી ગયો છે. ડાંગ જિલ્લો કોરોના મુક્ત થયો છે. જ્યારે 27 ટકા લોકોએ પહેલો ડોઝ લઈ લીધો છે. પાટણમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે.
તાપીમાં માત્ર 3 એક્ટિવ કેસ છે. જ્યારે 39 ટકા લોકોએ પ્રથમ ડોઝ લઈ લીધો છે. દાહોદમાં માત્ર 2 એક્ટિવ કેસ છે. જ્યારે 27 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ લીધો. મોરબીમાં માત્ર 2 એક્ટિવ કેસ અને 31 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. છોટાઉદેપુરમાં 3 એક્ટિવ કેસ અને 30 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. સુરેંદ્રનગરમાં 6 એક્ટિવ કેસ અને 34 ટકા લોકોએ પ્રથમ ડોઝ લીધો છે. નર્મદામાં 5 એક્ટિવ કેસ, સાબરકાંઠામાં 9, બોટાદમાં 11, કચ્છમાં 11, દ્વારકામાં 12, ખેડામાં 13, મહીસાગરમાં 13,બનાસકાંઠામાં 14 અને ભરૂચમાં 14 એક્ટિવ કેસ છે.