(Source: ECI/ABP News/ABP Majha)
વડનગરમાં ઓક્સીજન પ્લાન્ટ ફેઈલ થવાના સમાચાર ખોટા, સરકાર કરશે કાયદાકીય કાર્યવાહી: આરોગ્ય કમિશનર
વડનગરમાં આવી કોઈ ઘટના નથી બની. મીડિયામાં આ પ્રકારના ખોટા પાયાવિહોણા સમાચાર વાયરલ થયા છે. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારા લોકો સામે સરકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર: વડનગર સિવિલ હોસ્પિટલમાં ઓક્સીજન પ્લાન્ટ બંધ થવાના કારણે 8 લોકોના મોત થયા હોય તેવા ખોટા સમાચાર વાયરલ થયા હતા. હવે તેને લઈ ગુજરાતના સ્વાસ્થ્ય કમિશનર જય પ્રકાશ શિવહરેએ માહિતી આપતા જણાવ્યું હતું કે, મીડિયામાં સમાચાર છે કે ઓક્સીજન પ્લાન્ટ નિષ્ફળ ગયો છે અને વડનગરમાં 8 દર્દીઓના મોત થયા છે. વડનગરમાં આવી કોઈ ઘટના નથી બની. મીડિયામાં આ પ્રકારના ખોટા પાયાવિહોણા સમાચાર વાયરલ થયા છે. આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવનારા લોકો સામે સરકાર કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ઘણી જગ્યાએ એવી ઘટનાઓ બની છે કે હોસ્પિટલોમાં ઓક્સીજનની અછત હોય. દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સીજનની અછતના કારણે સર ગંગારામ હોસ્પિટલમાં 20થી વધુ લોકોના મોત થયા હતા. દેશમાં હાલ કોરોના વાયરસની મહામારીની બીજી લહેર ખૂબ જ ઘાતક છે.
કોરોના સંક્રમણના કારણે દેશમાં હાલ સંકટની પરિસ્થિતિ છે. દરરોજ દેશમાં કોરોનાના નોંધાઈ રહેલા ત્રણ લાખથી વધુ કેસના કારણે સ્વાસ્થ્ય સેવાઓ લાચાર બની છે. કોવિડ હોસ્પિટલોમાં બેડ ફુલ છે અને ખાલી હોય તો ત્યાં ઓક્સીજન નથી. વેન્ટિલેટરનું પણ ગંભીર સંકટ છે. દેશમાં ઓક્સીજનની અછત છે તે ખુદ કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ સ્વીકાર્યું છે.
કેંદ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું દેશમાં કોરોના વાયરસને લઈ હાલ સંકટ છે. એવામાં ડૉક્ટર્સ નર્સ, સામાજિક કાર્યકર્તાઓ અને રાજનેતાઓએ આ સમયે સંવેદનશીલ થઈને લોકોની મદદ કરવી જોઈએ. તેમણે કહ્યું ઓક્સીજનને વધારવાને લઈ સરકાર તરફથી દેશભરમાં વ્યવસ્થા કરવામાં આવી રહી છે. પરંતુ ક્યાંક ઓછો છે ક્યાંય વધારે છે. આ સ્થિતિમાં કોઈનો જીવ ન જવો જોઈએ.
નીતિન ગડકરીએ જણાવ્યું કે અમે મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરી રહ્યાં છીએ. તેથી થોડી તકલીફ તો રહેવાની પરંતુ લોકોના જીવ બચાવવા જરુરી છે અને અમે એ વ્યવસ્થા કરી રહ્યાં છીએ. અમારો પ્રયાસ લોકોના જીવ બચાવવાનો છે.
નીતિન ગડકરીનું આ નિવેદન કેન્દ્ર સરકારને મુશ્કેલીમા મૂકી શકે છે. કારણ કે હજુ એક દિવસ પહેલા કેન્દ્ર સરકાર જણાવી ચૂકી છે કે દેશમાં ઓક્સિજનની અછત નથી પરંતુ ટ્રાન્સપોર્ટેશન સમસ્યા છે.