આવતીકાલથી રાજ્યમાં ધોરણ-12નું ઓફલાઈન શિક્ષણ શરૂ, વિદ્યાર્થીઓએ ક્લાસમાં હાજરી આપવી....
વર્ગખંડોમાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પક્ષ મેળવવાનું રહેશે.
કોરોનાનું સંક્રમણ ઘટતા આવતીકાલથી રાજ્યમાં ધોરણ 12નું ઓફલાઈન શિક્ષણ શરૂ થશે. ત્યારે ધોરણ 12ના શિક્ષણકાર્યને લઈને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરિપત્ર જાહેર કર્યો છે. જે પરિપત્ર અનુસાર ઓફલાઈન શિક્ષણ કાર્યમાં હાજરી આપવી વિદ્યાર્થીઓ માટે મરજીયાત રહેશે. એટલુ જ નહી જે વિદ્યાર્થીઓ સ્વેચ્છાએ ઓફલાઈન શિક્ષણકાર્યમાં જોડાવા ન ઈચ્છતા હોય તેવા વિદ્યાર્થીઓને અગાઉની જેમ ઓનલાઈન શિક્ષણ આપવાનું યથાવત રહેશે.
વર્ગખંડોમાં હાજર રહેવા માટે વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ પક્ષ મેળવવાનું રહેશે. વર્ગ ખંડોમાં 50 ટકાની ક્ષમતામાં જ વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવશે. અને વર્ગખંડોમાં બે વિદ્યાર્થીઓ વચ્ચે પર્યાપ્ત અંતર પણ રાખવાનું રહેશે. નિયમિત રીતે વર્ગખંડોનું યોગ્ય સેનેટાઈઝેશન થાય સાથે જ સ્કૂલ પરિસરમાં હેંડ વોશિંગ અને સેનેટાઈઝેશન પોઈંટ પૂરતા પ્રમાણમાં રાખવાના રહેશે. શાળાના તમામ સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ફરજીયાત માસ્ક પહેરવાના રહેશે.
ઓફલાઈન શિક્ષણ માટે સરકારની ગાઈડલાઈન
- શાળાઓમાં વિદ્યાર્થીઓની હાજરી મરજીયાત રહેશે
- ૫૦ ટકા ક્ષમતા સાથે વિદ્યાર્થીઓને શાળામાં બોલાવી શકાશે
- શાળાએ ન આવે તે વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે
- ઓફલાઈન અથવા પ્રત્યક્ષ શિક્ષણકાર્ય માટે વાલીની સહી સાથે સંમતિપત્રક જરૂરી
- શાળામાં સામાજિક અંતરનું પાલન જરૂરી
- વર્ગખંડને સમયાંતરે સેનેટાઈઝ કરવાના
- શાળામાં હેન્ડ વોશિંગ પોઈન્ટ પૂરતા પ્રમાણમાં રાખવા
- શાળાના સ્ટાફે માસ્ક પહેરવું ફરજિયાત
રિપીટર વિદ્યાર્થીઓની પરીક્ષા
ગુજરાત માઘ્યમિક અને ઉચ્ચતર માઘ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતીકાલ એટલે કે 15 જુલાઈને ગુરૂવારથી ધો.10 અને 12ના રીપીટર્સ વિદ્યાર્થીઓની પરીક્ષાનો પ્રારંભ થનાર છે. આ પહેલા રિપીટર અને એકસટર્નલ વિદ્યાર્થીઓએ માસ પ્રમોશન આપવાની માગ સાથે હાઈકોર્ટમાં પિટીશન કરી હતી. આ પિટીશન હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટે ટકોર કરી કે રાજ્યમાં શિક્ષણનું સ્તર ઉંચુ લઈ જવાનું છે, નીચું નહીં. આ સાથે જ હાઈકોર્ટે વિદ્યાર્થીઓને અભ્યાસ પર ધ્યાન આપવા પણ ટકોર કરી છે.
આ પહેલા શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે, ધોરણ 10 અને 12ના રિપીટરની પરીક્ષા રદ નહીં થાય. તેમણે જણાવ્યું હતું કે, રિપીટર માટે જાહેર કરવામાં આવેલો પરીક્ષાનો કાર્યક્રમ યથાવત રહેશે. આ પહેલા વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ સરકારને પત્ર લખી રિપીટરની પરીક્ષા રદ કરવા માંગ કરી હતી. આ માંગનો છેદ ઉડાવતા શિક્ષણ મંત્રીએ સ્પષ્ટ કહ્યું હતું કે, રિપીટરની પરીક્ષા નક્કી થયેલી તારીખે યોજાશે.