‘શાળા પ્રવેશોત્સવ દરમિયાન મહાનુભાવોને સારી સ્કૂલોમાં લઇ જવા’, શિક્ષણ વિભાગનો વિચિત્ર પરિપત્ર
23 જૂનથી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેને લઈ શિક્ષણ વિભાગ તડામાર તૈયારી કરી રહ્યો છે.
ગાંધીનગરઃ 23 જૂનથી ગુજરાતમાં શાળા પ્રવેશોત્સવ શરૂ થઈ રહ્યો છે. જેને લઈ શિક્ષણ વિભાગ તડામાર તૈયારી કરી રહ્યો છે. જો કે, શાળા પ્રવેશોત્સવના નામે શિક્ષણ વિભાગે ફૂલગુલાબી ચિત્ર રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે. શિક્ષણ વિભાગે પરિપત્રે જાહેર કર્યો છે જેમાં રાજ્યના તમામ જિલ્લા શિક્ષણાધિકારીને સૂચના અપાઈ છે કે, રાજ્યકક્ષાએથી આવનારા મહાનુભાવો માટે એવી જ શાળા પસંદ કરવી જ્યાં વિદ્યાર્થીઓની સંખ્યા વધુ હોય અને શાળા પણ મોટી હોય. એટલું જ નહીં, પરિપત્રમાં તો એવો પણ ઉલ્લેખ કરાયો છે કે, શક્ય હોય ત્યાં સુધી સ્કૂલ ઑફ એક્સેલન્સની જ પસંદગી કરવી હતી. શિક્ષણ વિભાગના આ પરિપત્રનો અર્થ એવો પણ થયો કે રાજ્યકક્ષાએથી મહાનુભાવો આવે ત્યારે તેમને એવી શાળામાં ન લઈ જવા. જેનાથી ગતિશીલ ગુજરાતના દાવાની પોલ ખુલી જાય.
આમ આદમી પાર્ટી પણ ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાને લઈ સવાલ ઉઠાવી રહી છે. એવામાં શિક્ષણ વિભાગના આ પરિપત્રથી ગુજરાતમાં શાળાઓની સ્થિતિને લઈ ફરી સવાલ ઉઠ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા ઈંદ્રનીલ રાજ્યગુરુએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતાં કહ્યું કે, સરકાર જનતાને ઉંધા ચશ્મા પહેરાવે છે. તો શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ આને સરકારને બદનામ કરવાનું વિરોધીઓનું ષડયંત્ર ગણાવ્યું હતું.
Doctors Strike : ડોક્ટરોનું સરકારને 24 કલાકનું અલ્ટીમેટમ, માંગણી ન સ્વીકારે તો ઇમરજન્સી સેવા પણ કરશે બંધ
ગુજરાતમાં ફરી એકવાર ડોક્ટરો હડતાળ પર ઉતર્યા છે. સિનિયર ડોક્ટરો હડતાળમાં જોડાયા છે. વડોદરામાં એસ.એસ.જી. હોસ્પિટલના 100થી વધુ સિનિયર રેસિડેન્ટ ડોક્ટર હડતાળમાં જોડાયા છે. 2019માં અનુસ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ વિદ્યાર્થીઓ કોવિડમાં કરેલી 17 મહિનાની સેવાને બોન્ડ ગણવા માંગ કરી છે.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આ અંગે આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવને પત્ર પણ લખ્યો હતો. જોકે સિનિયર ડોક્ટરોને બોન્ડ પેટે પેરીફરીમાં એક વર્ષ માટે આદેશ થતા વિરોધ. 24 કલાકમાં સરકાર નિર્ણય નહીં લે તો ઇમરજન્સી સેવા પણ ડોક્ટરો બંધ કરશે
રેસિડેન્ટશિપને બોન્ડમાં ન ગણાતા આજથી જુનિયર ડોક્ટરોની હડતાળ શરૂ થઈ છે. અમદાવાદમાં તમામ સરકારી મેડિકલ કોલેજોના પીજી રેસિડેન્ટ નિર્ણય ન આવે તો ૧૬મીથી ઈમર્જન્સી સેવા પણ બંધ કરશે. સુરત સિવિલ હોસ્પિટલ સાથે ગૂજરાતની બાકીની ૫ મેડિકલ કોલેજ ના રેસિડેન્ટ ડોક્ટર હડતાળ પર છે. ડોક્ટરોની માંગ ૨૦૧૭ અને ૨૦૧૮ની બેચને કોવિડની સેવા કરવા બદલ બોન્ડ સેવામાં રાહત આપવામાં આવેલી છે, એ જ રીતે ૨૦૧૯ ની બેચને પણ જેમને પોતાની રેસીડેન્સીના ૩૬ માસમાંથી ૧૭ માસ કોવિડની સેવામાં આપ્યા એમને આ સેવાનો લાભ મળવો જોઈએ તેવી માંગ. આ માટે હેલ્થ મિનિસ્ટર, હેલ્થ કમિશનર, કૉલેજ ના ડિન અને મેડિકલ સુપરિટેન્ડેન્ટ ને વારંવાર રજુઆત કરવામાં આવી છે.