બોર્ડની પરીક્ષા માટે શિક્ષણ તંત્ર સજ્જ, વિદ્યાર્થીને તાવ, શરદી હશે તો પરીક્ષા કેન્દ્ર પર કરાશે આ પ્રકારની ખાસ વ્યવસ્થા
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી 4 મેએ શરૂ થશે. કોરોનાની મહામારીના કારણે તંત્ર દ્રારા પરીક્ષાને લઇને ચોક્કસ ગાઇડલાઇન રજૂ કરાઇ છે. શિક્ષણ વિભાગ દ્વારા શું વ્યવસ્થા કરવામાં આવી છે. જાણીએ...
ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા 4 મેથી શરૂ થશે. બીજી બાજુ કોરોનાના કેસ પણ વધી રહ્યાં છે ત્યારે શિક્ષણ વિભાગ મહામારીમાં પરીક્ષાના આયોજનને લઇને સજ્જ થઇ ગયું છે. પરીક્ષા વિભાગે વિદ્યાર્થીઓ માટે ચોક્કસ ગાઇડલાઇન્સ પણ તૈયાર કરી છે.
કોરોના મહામારીમાં પરીક્ષા લેવાતી હોવાથી વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલાક નિયમો રજૂ કરાયા છે. પરીક્ષા સમયે દરેક વિદ્યાર્થીનું ટેમ્પરેચર માપવામાં આવશે. જે વિદ્યાર્થીઓનું ટેમ્પરેચર વધારે આવશે તેવા વિદ્યાર્થીઓને અલગ રૂમમાં બેસાડવામાં આવશે, ઉપરાંત જો કોઇ વિદ્યાર્થીમાં શરદી, ઉધરસ જેવા લક્ષણો જણાશે તો આવા વિદ્યાર્થીઓને પણ અલગ રૂમમાં બેસાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
સામાજિક અંતર જળવાય રહે તે રીતે વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવશે. એક બેન્ચ પર માત્ર એક જ વિદ્યાર્થી બેસાડવામાં આવશે. દરેક વિદ્યાર્થીઓએ માસ્ક પહરેવું ફરજિયાત રહેશે, ઉપરાંત હેન્ડ સેનેટાઇઝર સહિતના વ્યવસ્થા પરીક્ષા કેન્દ્ર પર રહેશે.આ વખતે વિદ્યાર્થીઓને જે હોલ ટિકિટ આપવામાં આવશે. તેમની પાછળ કોરોનાની ગાઇડલાઇન્સ આપવામાં આવશે. વિદ્યાર્થીઓએ આ ગાઇડલાઇન્સનું પાલન કરવું ફરજિયાત રહેશે.