(Source: ECI/ABP News/ABP Majha)
Lok Sabha: પાટણ બેઠક પર 137 ઉમેદવારોએ નોંધાવી દાવેદારી, ભરતસિંહ સહિત પૂર્વ મંત્રી અને તેમની દીકરી પણ મેદાનમાં
ભાજપ દ્વારા પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી
Patan Lok Sabha Seat: આગામી લોકસભા ચૂંટણી 2024ને લઇને રાજ્યની તમામ 26 બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, આજે આ સેન્સ પ્રક્રિયા અંતર્ગત પાટણ બેઠક પર નિરક્ષકોએ સેન્સ લીધી હતી, જે પૂર્ણ થઇ ચૂકી છે. પરંતુ ખાસ વાત છે કે ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીની સાથે સાથે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર અને તેમની દીકરી સોનલ ઠાકોરે પણ દાવેદારી નોંધાવી છે.
ગુજરાતમાં તમામ 26 બેઠકો માટે એક પછી એક સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ છે, ભાજપ દ્વારા પાટણ લોકસભા બેઠક માટે ઉમેદવાર નક્કી કરવા માટે ત્રણ નિરીક્ષકોની ટીમ મંગળવારે પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હતી. "સેન્સ" પ્રક્રિયામાં ભાગ લેનાર મોટા ભાગના હોદ્દેદારોએ પાટણ બેઠક ઉપર સ્થાનિક અને નવા ઉમેદવારને મૂકવા માટેની લાગણી-માંગણી સાથે પોતાના અભિપ્રાય આપ્યા હોવાનું જાણવા મળ્યું છે. આજે પાટણમાં લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઇ હતી. ભાજપ કાર્યાલય ખાતે રઘુભાઇ હંબલ, વલ્લભ કાકડીયા, સીમા મોહીલીની અધ્યક્ષતામાં આજે આ ભાજપની સેન્સ પ્રકિયા રાખવામાં આવી હતી. આ દરમિયાન ભાજપ કાર્યાલયમાં મોટી સંખ્યામાં અપેક્ષિત ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. સેન્સ પ્રકિયામાં પાટણ લોકસભા બેઠક પર આશરે 133 અપેક્ષિત ઉમેદવારો હાજર રહ્યાં હતા.
સૌથી વધુ લોકોએ કરી દાવેદારી
આ વખતે પાટણ લોકસભા બેઠક પર એક કરતાં વધુ ઉમેદવારોએ દાવેદારી કરી છે. સાંસસદ ભરતસિંહ ડાભી, જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, પૂર્વ મંત્રી દિલીપ ઠાકોર તેમની દીકરી સોનલ ઠાકોર, પ્રદેશ પ્રમુખ નંદાજી ઠાકોર, પ્રદેશ બક્ષી પંચ, નાગારજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય, વિનયસિંહ ઝાલા, પૂર્વ સાંસદ નટુજી હલુજી ઠાકોર, પુષ્પાબેન ઠાકોર, સાંતલપુર ઠાકોર સમાજ અગ્રણી શાકાજી ઠાકોર, પાટણ તાલુકા શિક્ષણ સમિતિ ચેરમેન જસીબેન ઠાકોર, પાટણના જાણીતા ડૉ વ્યોમેસ શાહ સહિતના દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જોકે, દાવેદારીની વચ્ચે તમામ દાવેદારોએ પ્રતિક્રિયા આપી હતી કે, પક્ષ જેને ટિકિટ આપે તેને જીતાડીશું.
પાટણ લોકસભાની બેઠક
પાટણ લોકસભાની બેઠક ઉપર કુલ ૧૮,૦૫,૨૨૩ મતદારો છે. જેમાં પુરૂષ મતદારો ૯,૩૬,૮૧૮ અને સ્ત્રી મતદારો ૮,૮૮,૩૮૪ છે. પાટણ લોકસભાની બેઠક ઉપર શરૂથી જ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારની પસંદગી ઘોચમાં પડી હતી. આ વખતે અહીં એકબાજુ રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ચાણાસ્માના પૂર્વ ધારાસભ્ય દિલીપ ઠાકોર અને તેમની દીકરી સોનલ ઠાકોરે દાવેદારી નોંધાવી છે. જ્યારે બીજી બાજુ ખેરાલુના પૂર્વ ધારાસભ્ય અને ચાલુ સાંસદ ભરતસિંહ ડાભીએ પણ દાવેદારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ માટે આ બેઠક પર પહેલાથી લીલાધર વાઘેલા સતત જીતી રહ્યાં હતા.
ચણાસ્મા વિધાનસભા બેઠક
આ બેઠક પર સામાન્ય રીતે છેલ્લી બે વિધાનસસભા ચૂંટણી સિવાય કોઈપણ એક પક્ષ સતત વિજયી બન્યું નથી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવાર વારાફરતી રીતે જીતતા આવ્યા છે. જેમાં વર્ષ 1995માં આ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર ગાંડાજી ઠાકોર વિજયી બન્યા હતા. ત્યારબાદ 2007, 2012, 2017માં ભાજપે અહીં જીત હાંસલ કરી હતી, ત્યારબાદ 2022માં કોંગ્રેસના દિનેશ ઠાકોરે અહીં જીત હાંસલ કરી હતી.