Porbandar: પરિણીતાને અન્ય યુવક સાથે બંધાયા શારીરિક સંબંધો, પતિનું કાસળ કાઢવા પત્નીએ બનાવ્યો ખતરનાક પ્લાન
Porbandar: માસ્ટર માઈન્ડ મૃતક રાજુની પત્ની કૃપાલી હોવાનો પણ ખુલાસો થયો હતો
Porbandar:પોરબંદરના છાયા વિસ્તારમાં રાજુ જેસા ઓડેદરાની હત્યા કેસનો પોલીસે ભેદ ઉકેલ્યો હતો.છાયા વિસ્તારના દેવજી ચોક નજીક રહેતા રાજુ જેસા ઓડેદરા દૂધના વ્યાપાર સાથે સંકળાયેલો હતો. તેની થોડા દિવસ અગાઉ બોથડ પદાર્થના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવી હતી. જેનો પોલીસે ભેદ ઉકેલી દીધો છે.
પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે આ હત્યા પ્રેમ પ્રકરણમાં કરાઈ છે. હત્યાની માસ્ટર માઈન્ડ મૃતક રાજુની પત્ની કૃપાલી હોવાનો પણ ખુલાસો થયો હતો તેણે તેના પ્રેમી સાથે મળીને પતિ રાજુની હત્યા કરાવી હતી. પોલીસે કૃપાલી, તેના પ્રેમી નિતેશ વેકરિયા અને વિશાલ સામણીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
મૃતક રાજુના માતાપિતાના જણાવ્યા અનુસાર આજે સવારે દૂધની ગાડી આવી હતી અને તેમના ડ્રાઇવરે રાજુના ઘરનું બારણું ખખડાવ્યું હતું. રાજુએ જવાબ નહીં દેતા તેમના પિતા જેશાભાઇને જાણ કરી હતી. તેમણે ઘરે આવીને જોયું તો રાજુનો લોહીથી લથપથ મૃતદેહ જોવા મળ્યો હતો. આઠ મહિના પહેલા રાજુની પત્નીને રાજકોટનો નિતેશ ઘરેથી ઉપાડી ગયો હોવાનું પણ મૃતકના માતાએ મીડિયાને જણાવ્યું હતું. મારા દીકરાને ન્યાય જોઈએ તેવું ચોધાર આસુ એ રડીને મૃતકના માતાએ વ્યથા ઠાલવી હતી.
આ મામલે પોરબંદર ડીવાયએસપી ૠતુ રાબાએ કહ્યું હતું કે રાજુ જેસા ઓડેદરાની હત્યા કરવામા આવી હતી. તેમણે કહ્યું કે આ બનાવમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ સમગ્ર ઘટનામાં રાજૂની પત્નીએ કાવતરું ઘડ્યું હતું અને તેના પ્રેમી નિતેશ વેકરિયા અને કૃપાલીના ભાઈ વિશાલ સામાણીની રાજકોટથી ધરપકડ કરવામાં આવી છે.
છાયા રઘુવંશી સોસાયટીમાં રહેતી કૃપાલી સાથે રાજુ ઓડેદરાએ પ્રેમ લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન સાત વર્ષની દીકરી છે. છેલ્લા સાત આઠ મહિનાથી કૃપાલી દીકરી કિંજલ સાથે પતિ રાજુથી અલગ પોતાના પ્રેમી નિતેશ વેકરીયા સાથે રાજકોટ ખાતે રહેતી હતી. છ મહિના બાદ કૃપાલી દીકરી કિંજલ સાથે ફરી રાજુ પાસે રહેવા આવી હતી અને 15 દિવસ પછી પાછી રાજકોટ ખાતે નિતેશ વેકરીયા સાથે રહેવા જતી રહી હતી. જેથી રાજુ કોઈ પણ રીતે પત્ની કૃપાલીને ઘરે લાવવા માંગતો હતો.
જોકે પત્ની કૃપાલી રાજુ સાથે રહેવા માંગતી નહોતી જેથી તેણે તેના પ્રેમી નિતેશ સાથે મળીને રાજુની હત્યાનો પ્લાન બનાવ્યો હતો. પોલીસે આ મામલે આરોપીઓની ધરપકડ કરી તપાસ હાથ ધરી હતી.