Gujarat Rain: રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી શરૂ, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.
Gujarat Rain: કેરળમાં ચોમાસુ સક્રિય થયાના 48 કલાક બાદ રાજ્યમાં ક્યારે વરસાદ પડશે તેની આગાહી કરાશે. હાલ રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવીટી શરૂ થઈ ચુકી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગના મુજબ આ વર્ષે ચોમાસુ સામાનય રહી શકે છે. અરબી સમુદ્રમાં 50 કિમીની ઝડપે પવન ફૂંકાશે, જેને લઈ 27 થી 29 તારીખ દરમિયાન દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપાઈ છે.
અમરેલી જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી દેવાઈ છે. રાજુલા, જાફરાબાદ, પીપાવાવ પોર્ટ પર દરિયામાં કરંટ જોવા મળ્યો હતો, અહીં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગના મતે રાજ્યમાં વાદળછાયા વાતાવરણને લઈ આજે તાપમાન 2 ડિગ્રી સુધી ઘટી શકે છે. ગુજરાતમાં મેઘરાજા પધરામણી કરે તે પહેલાં તકેદારી માટે પૂરતી કામગીરીને લઈ સરકાર સજ્જ છે.
તો હવામાન વિભાગની આગાહી વચ્ચે વલસાડમાં મોડી રાત્રે વરસાદ પડ્યો. વલસાડના હાલર રોડ, સ્ટેશન રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદને પગલે કેરી પકવતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ભારે પવન અને વરસાદના કારણે કેરીઓ નીચે પડી રહી છે. તો ફળ માખીનો ઉપદ્રવ પણ વધી રહ્યો છે. જેને લઈ નુકસાનીની ભીતી વધી છે.
દિલ્હીમાં વરસાદની આગાહી
દિલ્હી-એનસીઆરમાં ગયા સોમવારે તોફાન અને પછી વરસાદને કારણે હવામાનની પેટર્ન નરમ રહી છે. જેના કારણે કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. દરમિયાન, શુક્રવારે ફરી એકવાર વરસાદની સંભાવના છે.ભારતીય હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આકાશ વાદળછાયું રહેશે અને હળવો વરસાદ અથવા ઝરમર ઝરમર વરસાદ પડી શકે છે. તે જ સમયે, 28 થી 31 મે દરમિયાન વાદળછાયું આકાશ રહેવાની આગાહી છે. શનિવારે પણ ગાજવીજ અને વીજળી પડવાની સંભાવના છે. 1 જૂનથી હવામાન સાફ થવાનું શરૂ થશે. મતલબ કે હાલ પુરતી ગરમીમાંથી રાહત જારી રહેશે. આ પહેલા ગુરુવારે દિલ્હીનું મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતા ઓછું નોંધાયું હતું.