(Source: ECI/ABP News/ABP Majha)
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરશે
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં ભાષણ આપવા આમંત્રણ આપ્યું છે.
ગાંધીનગર: ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બે દિવસની ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પ્રોજેક્ટનું ઉદઘાટન કરવા અને વિધાનસભામાં ભાષણ આપવા માટે આમંત્રણ આપ્યું છે. આ દરમિયાન તેઓ રાજ્યની ઇ-એસેબ્લીનું લોકાર્પણ કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન તેઓ આયુષ્માન ભવઃ એપ્લિકેશનનું પણ લોન્ચિંગ કરવાના છે. 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાત વિધાનસભાની કામગીરી સંપૂર્ણ રીતે પેપરલેસ કરવામાં આવી છે. ધારાસભ્યો હવે ટેબલેટથી પોતાના પ્રશ્નો રજૂ કરતા જોવા મળશે.
રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે
ગુજરાત વિધાનસભા બુધવારથી શરૂ થઈ રહી છે ત્યારે રાષ્ટ્રપતિ મુર્મુ વિધાનસભાને સંબોધશે. 13 સપ્ટેમ્બરે ગુજરાતની ઈ-એસેમ્બ્લી લોન્ચ કરશે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે 15મી ગુજરાત વિધાનસભાનું ચોમાસું સત્ર 13 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર ત્રણ દિવસનું ટૂંકું સત્ર હશે. ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં બે બિલ રજૂ કરવામાં આવશે. તેમાં મેડિકલ યુનિવર્સિટી બિલ અને કોમન યુનિવર્સિટી બિલનો સમાવેશ થાય છે.
એપ્લિકેશન લોન્ચ થયા બાદ ગૃહની કાર્યવાહી સંપૂર્ણપણે પેપરલેસ થઈ જશે. આ માટે ગૃહની તમામ બેઠકો પર ટેબલેટ પણ લગાવવામાં આવ્યાં છે. હવે ગૃહમાં ધારાસભ્યો પેન-કાગળથી નહીં પરંતુ ટેબલેટથી સવાલ પૂછીને તેમના વિસ્તારના મુદ્દાઓ ઉઠાવશે. તમામ સ્થળોની સંપૂર્ણ વિગતો ટેબલેટમાં રેકોર્ડ કરવામાં આવશે. તેના અમલીકરણ સાથે ગૃહ સંપૂર્ણ રીતે ઓનલાઈન થઈ જશે.
વિધાનસભાને ડિજિટલ રૂપ આપવામાં આવ્યું
પેપરલેસ બનાવવા માટે વિધાનસભાને ડિજિટલ રૂપ આપવામાં આવ્યું છે. આ માટે ભાજપ, કોંગ્રેસ અને આપના ધારાસભ્યોને ગૃહમાં ટેબલેટનો ઉપયોગ કરવા અંગે તાલિમ પણ આપવામાં આવી છે. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ગુજરાત ઇ-વિધાનસભાનું લોકાર્પણ કરવામાં આવશે.
કેન્દ્ર સરકાર આ વર્ષે 17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ પર આયુષ્યમાન ભવ કાર્યક્રમ શરૂ કરશે. જેથી કરીને સરકાર દ્વારા ચલાવવામાં આવતી તમામ આરોગ્ય યોજનાઓ છેવાડાના લોકો સુધી પહોંચાડી શકાય.
ધારાસભ્યો વિધાનસભા ગૃહમાં ટેબલેટનો કેવી રીતે ઉપયોગ કરી શકશે તે અંગે એક મોક વિધાનસભાનું આયોજન કરવામાં આવ્યું છે. કેવી રીતે પ્રશ્નો પૂછવા કઈ રીતે ટેબલેટનો ઉપયોગ કરવો સહિતની બાબાતોનું રિહર્સલ કરવામાં આવશે. જેથી વિધાનસભા સત્ર દરમિયાન ગૃહમાં ઉપસ્થિત ધારાસભ્યોને કોઇ મુશ્કેલી પડે નહીં.