Gujarat Rain: રાજ્યમાં આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી
રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.
અમદાવાદ: રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઈ આગાહી કરી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અમદાવાદમાં આજે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને કચ્છમાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ અને કચ્છમાં અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.
બનાસકાંઠા, પાટણ, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને વડોદરામાં ભારે વરસાદ સાથે યેલો અલર્ટની આગાહી કરાઈ છે. આવતીકાલે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી,પોરબંદર, જુનાગઢ અને દ્વારકામાં અત્યંત ભારે વરસાદ સાથે રેડ અલર્ટની આગાહી કરવામાં આવી છે.
વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, ગીર સોમનાથ અને કચ્છમાં અતિ ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે.1 જૂનથી અમદાવાદમાં સરેરાશ કરતા ઓછો વરસાદ વરસ્યો છે. સીઝનમાં 294 mm વરસાદ સામે 331.8 વરસાદ થતા 13 ટકા વરસાદ વધુ નોંધાયો છે.
સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો
ગુજરાતમાં ચારેયકોર વરસાદી માહોલ જામેલો છે. છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ વરસાદ દેવભૂમિ દ્વારકામાં ખાબક્યો છે. ખાસ કરીને અહીંના કલ્યાણપુર તાલુકામાં સૌથી વધુ અત્યાર સુધીનો વરસાદ ખાબક્યો છે, અહીં 45 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. જેને લઇને કલ્યાણપુર તાલુકો પાણી-પાણી થયો છે. કેટલાક વિસ્તારો સંપર્ક વિહોણા બન્યા છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે.
કલ્યાણપુરમાં અત્યાર સુધીમાં 45 ઈંચ વરસાદ ખાબકતા કેટલાક વિસ્તારો પૂરગ્રસ્ત બન્યા છે, જેનું આજે હવાઇ નિરીક્ષણ કરવામાં આવશે, આજે બપોરે 3.45 કલાકે જામનગર એયરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહોંચશે અને ત્યારબાદ જામનગર એયરપૉર્ટથી હેલિકોપ્ટર મારફતે નિરીક્ષણ કરશે.
હવામાન વિભાગનું લેટેસ્ટ અપડેટ
રાજ્યમાં હજુ પણ વરસાદ પડવાની આગાહી છે. આજે હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સુરત, ભાવનગર, અમરેલી, નર્મદા, ગીર સોમનાથ, ભરૂચમાં અતિભારે વરસાદ થવાની શક્યતા હોય રેડ એલર્ટ જૂનાગઢ, રાજકોટ, બોટાદ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાના પગલે ઓરેન્જ એલર્ટ જ્યારે કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહિસાગર, પંચમહલ અને દાહોદમાં ભારે વરસાદના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. જ્યારે પાટણ, બનાસકાંઠા, મહેસાણા અને સાબરકાંઠામાં હળવોથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે.