Gujarat Rain: નર્મદામાં ફરી વરસાદે જોર પકડ્યું, સાગબારામાં 6 ઇંચથી લોકોને હાલાકી, સિઝનનો વરસાદ કુલ 26 ટકા
Rain Updates: રાજ્યમાં આજે તા. 26 જૂન, 2025ના રોજ સવારે 6.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.24 ટકા જેટલો નોંધાયો છે

Rain Updates: રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 23 જિલ્લાના 140 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-ગાંધીનગરના અહેવાલ મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં રાજ્યનો સૌથી વધુ 6 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. જ્યારે, સુરતના ઉમરપાડા અને તાપીના ડોલવણ તાલુકામાં 5 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો, છેલ્લા 24 કલાકમાં ડાંગ જિલ્લાના વઘઇ તાલુકામાં, વડોદરાના કરજણ, નવસારીના વાંસદા, તાપીના કુકરમુંડા, નર્મદાના ડેડીયાપાડા તેમજ મહિસાગરના લુણાવાડા તાલુકામાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત નવસારીના ખેરગામ, તાપીના વ્યારા અને વલોદ તથા વલસાડ તાલુકામાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. તદુપરાંત રાજ્યના 20 તાલુકામાં બે ઇંચથી વધુ, 24 તાલુકામાં એક ઈંચથી વધુ જ્યારે, 83 તાલુકામાં એક ઇંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.
રાજ્યમાં આજે તા. 26 જૂન, 2025ના રોજ સવારે 6.૦૦ કલાક સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 26.24 ટકા જેટલો નોંધાયો છે. જેમાં પૂર્વ મધ્ય ગુજરાતમાં સૌથી વધુ 30 ટકા, દક્ષિણ ગુજરાતમાં 28.42 ટકા, સૌરાષ્ટ્રમાં 26.35 ટકા, કચ્છ વિસ્તારમાં 21.65 ટકા અને ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછો 19.29 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
અમદાવાદમાં ખાબક્યો વરસાદ
અમદાવાદ શહેરમાં ગઇકાલે સાંજે બે કલાકમાં સરેરાશ દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો. પૂર્વ વિસ્તારના મણીનગર અને ઓઢવમાં ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. વિરાટનગર, ગોમતીપુર, રખિયાલ વિસ્તારોમાં સાડા ત્રણ ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. નરોડા, મેમકો, કોતરપુર સૈજપુર, એરપોર્ટ રોડ , સરદારનગર, નિકોલ, રામોલ, કઠવાડા, જમાલપુર, લાલદરવાજા, આસ્ટોડીયા, ઘોડાસર, ઇસનપુર, વટવા અને જશોદાનગર સહિતના વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. વસ્ત્રાલના અબજીબાપા લેક અને રતનપુરા તળાવ ગાર્ડન પાસે પાણી ભરાયા છે. ભારે વરસાદ પડવાના કારણે અમદાવાદ શહેરના મણિનગર દક્ષિણી, કુબેરનગર ITI અને મીઠાખળી અંડરપાસ વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે.




















