'શક્તિ' વાવાઝોડાની અસરના કારણે રાજ્યમાં વરસશે ભારે વરસાદ , જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 'શક્તિ' વાવાઝોડા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના મતે, આ વાવાઝોડું 130 ડિગ્રીએ 'યુ-ટર્ન' લેશે અને ગુજરાત તરફ વળશે.

અમદાવાદ: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે 'શક્તિ' વાવાઝોડા અંગે અનુમાન વ્યક્ત કર્યું છે. અંબાલાલના મતે, આ વાવાઝોડું 130 ડિગ્રીએ 'યુ-ટર્ન' લેશે અને ગુજરાત તરફ વળશે. પરંતુ ગુજરાતના દરિયાકાંઠાની નજીક આવતા વાવાઝોડું નબળું પડી જશે.
આ યુ-ટર્ન ની અસર હેઠળ 9 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તેમના અનુમાન મુજબ, કચ્છ-સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જોકે આ સમયે દરિયાકાંઠે પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાક ની આસપાસ રહેવાની શક્યતા છે. આ ઉપરાંત, અંબાલાલ પટેલે નવેમ્બર મહિનામાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસવાની શક્યતા વ્યક્ત કરી છે, જે આગામી મહિનાઓ માટે ખેડૂતો અને સામાન્ય જનતા માટે વિચારણાનો વિષય છે.
અરબ સાગરમાં સર્જાયેલું 'શક્તિ' વાવાઝોડું નબળું પડવાના કારણે ગુજરાત રાજ્ય પરથી તેનો ગંભીર ખતરો ટળી ગયો છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આ વાવાઝોડું આગામી સમયમાં ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ જશે. હાલમાં, 'શક્તિ' વાવાઝોડું દ્વારકાથી 940 કિલોમીટર અને નલિયાથી 960 કિલોમીટર દૂર પહોંચી ગયું છે, જેના કારણે તેની ગતિ ધીમી પડી છે. જોકે, આ સિસ્ટમની અસરને લીધે આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ ભાગોમાં સાર્વત્રિક હળવો વરસાદ વરસવાની શક્યતા છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના અનુમાન મુજબ આ વાવાઝોડુ ગુજરાતમાં પહોંચે તે પહેલા વિખેરાય જશે. જેથી ગુજરાતમાં વાવાઝોડાને લઇને કોઇ ખતરો નથી. જો કે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છૂટછવાયો હળવો વરસાદ પડે તેવી શક્યતા છે. ગુજરાતમાં વરસાદની વધુ શક્યતા હવે નહિવત છે. જેથી હવે હવામાન વિભાગના મોડલ મુજબ ચોમાસાની વિદાય 11 ઓક્ટોબર સુધીમાં થઇ શકે છે.
વાવાઝોડાના યુર્ટન અને ચોમાસાની વિદાયની વચ્ચે પંચમહાલના ગોધરામાં પંથકમાં પણ રાત્રિના સમયમાં વરસાદ વરસ્યો હતો. ગોધરા તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રાત્રિના વરસાદ વરસ્યો હતો. વાવડી, વેગનપુર, ટુવા, ટીંબા, સાપા ગામે ધીમીધારે વરસાદ વરસ્યો હતો. દારૂનિયા, પોપટપુરા સહિતના ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.
નવસારીમાં જામ્યો વરસાદી માહોલ
હવામાન વિભાગની વરસાદની આગાહી વચ્ચે નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે.નવસારીના ગ્રામ્ય પંથકમાં સવારથી વરસાદી ઝાપટા પડી રહ્યા છે. નવસારી શહેરના મંકોડિયા, વીજલપોર, સ્ટેશન રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. વરસાદથી શેરડી, ડાંગર, ચીકુ સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.




















