રાજ્યમાં હજુ પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યા વિસ્તારમાં ધોધમાર વરસાદ પડશે
વડોદરા જ્યાં રાત્રથી શરૂ થયેલો વરસાદ હજુ સવારના પણ યથાવત રહ્યો છે.
રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ વરસાદી માહોલ યથાવત રહેશે. આગામી દિવસોમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. તો સૌરાષ્ટ્રમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે.
છેલ્લા બે- ત્રણ દિવસથી રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. જોકે હજુ પણ રાજ્યમાં વરસાદની 35 ટકા જેટલી ઘટ છે. હાલ તો વરસાદી સિસ્ટમ સક્રિય હોવાના કારણે માછીમારોને દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપી છે.
વડોદરામાં વરસાદ
વડોદરા જ્યાં રાત્રથી શરૂ થયેલો વરસાદ હજુ સવારના પણ યથાવત રહ્યો છે. વડોદરામાં ચાલુ સિઝનમાં પ્રથમ વખત મેઘરાજા મનમૂકીને વરસ્યા અને રાતભરમાં ચાર ઈંચ જેટલું હેત વરસાવ્યું છે. ચાર ઈંચ વિસ્તારમાં શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વરસાદના પગલે અલ્કાપુરી રેલવે સ્ટેશનના ગરનાળામાં કેડસમા પાણી ભરાયા છે. પાણીના ભરાવાના કારણે હાલ ગરનાળામાં વાહન વ્યવહાર બંધ કરી દીધો છે.
તો પવન સાથે વરસેલા વરસાદના કારણે ગણેશ પંડાલોમાં પણ પાણી ભરાઈ ગયા હતાં. કાલુપુર ચા લંબોદર ગ્રુપનો ગણેશ પંડાલ તો તૂટી પડ્યો હતો. જેમાં ગ્રુપના બે કાર્યકરોને ઈજા પહોંચી હતી. જોકે ગણેશજીની મૂર્તિ સુરક્ષિત રહી હતી.
તો વડોદરા ઉપરાંત નજીકના ડભોઈ પંથકમાં પણ મેઘરાજા મનમૂકીને વરસી રહ્યા છે. ડભોઈમાં મોડી સાંજે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. દિવસ દરમિયાન છૂટ્ટા છવાયા વરસાદી ઝાપટા વરસ્યા બાદ ડભોઈ પંથકમાં મોડી સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના પગલે ખેડૂતોના પાકને જીવતદાન મળશે.
અરવલ્લી જિલ્લામાં વરસાદ
તો આ બાજુ ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. અરવલ્લી જિલ્લામાં મોડી રાતથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં ભિલોડા તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર ત્રણ ઈંચ વરસાદ છે. મોડાસા, ધનસુરા અને મેઘરજમાં બે બે ઈંચ વરસાદ, માલપુર તાલુકામાં એક ઇંચ જયારે બાયડમાં સામાન્ય વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 44.24 ટકા વરસાદ પડ્યો છે... જે સિઝનનો કુલ 11 ઈંચ વરસાદ છે.